ભરૂચમાં ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ નેશનલ હાઇવે-૪૮ પરની ૨૧ હોટેલોમાં આરોગ્ય વિભાગની સઘન તપાસ…!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે-૪૮ પરની ૨૧ હોટેલોમાં ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. દિવાળી વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં લોકો પ્રવાસે નીકળતા હોવાથી મુસાફરોને શુદ્ધ, સાત્વિક અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે હેતુથી ભરૂચ જિલ્લામાં ‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત આરોગ્ય તંત્ર દ્વારા હાઇવે પર આવેલી હોટેલોમાં સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

રાજ્યના આરોગ્યમંત્રી દ્વારા આપવામાં આવેલી સૂચનાને પગલે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભરૂચ દ્વારા વડોદરા-ભરૂચ-સુરત નેશનલ હાઇવે નં.૪૮ પર ભરૂચ જિલ્લાની હદમાં આવેલી હોટેલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ-૨૧ હોટેલોની તપાસ કરવામાં આવી છે.તપાસ દરમિયાન હોટેલોમાં ગ્રાહકોને પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા, રસોઈમાં વપરાતો કાચો માલ ઉચ્ચ ગુણવત્તાનો છે કે નહીં, રસોડાની સ્વચ્છતા,સફાઈ વ્યવસ્થા તેમજ હોટેલમાં કામ કરતા કર્મચારીઓ વ્યક્તિગત સ્વચ્છતા જાળવે છે કે નહીં તે સહિતના મુદ્દાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન ૬ હોટેલોમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬ના શિડ્યુલ-૪ની જોગવાઈઓનું પાલન થતું ન હોવાનું સામે આવતાં સંબંધિત હોટેલ સંચાલકોને સુધારા નોટિસ આપવામાં આવી હતી.

જ્યારે એક હોટેલને જરૂરી સુધારા ન થાય ત્યાં સુધી સેલ્ફ ક્લોઝર હેઠળ બંધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત આશરે ૧૮ કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી,જેમાં પંજાબી ગ્રેવી, શાકભાજી સહિતની અન્ય કાચી ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે, તેનો સ્થળ પર જ સ્વૈચ્છિક રીતે નાશ કરવામાં આવ્યો હતો.
તપાસ અભિયાન દરમિયાન ગ્રાહકો સાથે થતી સંભવિત ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ અટકાવવા માટે પણ તંત્રએ મહત્વપૂર્ણ સૂચના આપી છે. હોટેલ સંચાલકોએ ગ્રાહકોને સ્પષ્ટ દેખાય તે રીતે બોર્ડ લગાવી જણાવવાનું રહેશે કે તેઓ વેચતા આઇસક્રીમ દૂધમાંથી બનાવવામાં આવેલા છે કે પછી પામ તેલ અને મિલ્ક પાવડરમાંથી તૈયાર થતા આઇસક્રીમ જેવા દેખાતા ‘ફ્રોઝન ડેઝર્ટ’ છે.ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે તંત્ર દ્વારા આ ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવી છે. આગામી દિવસોમાં પણ નેશનલ હાઇવે પર આવેલી તમામ હોટેલોમાં તપાસની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

ડિજિટલ યુગ ન્યૂઝ,ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!