ભરૂચ જિલ્લા કક્ષાએ શાળા બહારના બાળકોની ઓળખ કરી તેમને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાના હેતુથી સઘન સર્વે હાથ ધરવામાં આવશે. સમગ્ર શિક્ષા, ગાંધીનગરની સૂચના અન્વયે ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં તા.૧૬ નવેમ્બર થી ૧૮ ડિસેમ્બર સુધી એક મહિના માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP-૨૦૨૦), RTE Rules-૨૦૧૨ તથા ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ ૬ થી ૧૮ વર્ષની વયજૂથનાં શાળા બહારનાં બાળકોની નિયમિત ઓળખ કરવી અનિવાર્ય છે. આ હેતુસર સમગ્ર શિક્ષા દ્વારા દર વર્ષે નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન સઘન સર્વે કરવામાં આવે છે.સર્વે દરમિયાન શાળામાં ક્યારેય પ્રવેશ ન મેળવનાર, અભ્યાસ અધવચ્ચે છોડી દેનાર તેમજ અન્ય કારણોસર શિક્ષણથી વંચિત રહેલા બાળકોની ઓળખ કરવામાં આવશે. આ ઉપરાંત વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને પણ સર્વેમાં આવરી લેવામાં આવશે.ભરૂચ જિલ્લામાં ૭૦૬ ગામડાં અને બે મહાનગરપાલિકા સહિત શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં વસતા તમામ બાળકો સુધી પહોંચવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં આવેલી ૯૦૮ પ્રાથમિક શાળાઓને ધ્યાનમાં રાખીને વિસ્તારવાર મેપિંગ કરવામાં આવશે. શાળા, ક્લસ્ટર, બ્લોક અને જિલ્લા કક્ષાએ વિસ્તારોનું વર્ગીકરણ કરી સર્વે ટીમોની રચના કરવામાં આવશે તથા તેમને કામગીરીના વિગતવાર આદેશો આપવામાં આવશે.ખાસ કરીને દિવાળી વેકેશન દરમિયાન સ્થળાંતરિત (માઇગ્રન્ટ) પરિવારોના મોટાભાગના સભ્યો પોતાના વતન પરત આવતા હોવાથી શાળા બહારના બાળકોની ઓળખ કરવામાં સરળતા રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સર્વેનું આયોજન કરવામાં આવ્યું છે.શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આપના આસપાસ કોઈ બાળક શાળાએ જતું ન હોય, અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હોય અથવા ક્યારેય શાળામાં પ્રવેશ જ મેળવ્યો ન હોય તો તેની માહિતી નજીકની સરકારી શાળા, ક્લસ્ટર અથવા બ્લોક રિસોર્સ સેન્ટર ખાતે પહોંચાડવી.








