ભરૂચના ટંકારીઆ અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે હવે અન્યત્ર જવાની જરૂર નહીં પડે. મોહસિને આઝમ મિશન સંચાલિત એમ.એ.એમ. હાઈસ્કૂલ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ ૧૧ અને ૧૨ના નવા વર્ગો શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.

આ અંતર્ગત શાળાના પરિસરમાં નવનિર્મિત ત્રણ આધુનિક અને સુવિધાસભર વર્ગખંડોનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ઉદ્ઘાટન સમારોહમાં એમ.એ.એમ. મિશનના સ્થાપક ફાઝિલે બગદાદ સૈયદ હઝરત હસન અશ્કરી મિયાંના મુબારક હસ્તે ત્રણેય વર્ગખંડોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સૈયદ ઝૈનુલ આબેદીન, રોટરી ક્લબના પ્રેસિડેન્ટ તથા દારુલ ઉલૂમ મુઈનુલ ઇસ્લામ, થામના વાઇસ પ્રેસિડેન્ટ અને જન શિક્ષણ સંસ્થાન, ભરૂચના ડાયરેક્ટર તથા CEO, મૌલાના અબ્દુર રઝ્ઝાક, શાળાના પ્રેસિડેન્ટ ઈશાક મોહમદ પટેલ, ટ્રસ્ટી મંડળના સભ્યો, ગામના સરપંચ મંગાભાઈ વસાવા, માજી સરપંચ ઝાકીરભાઈ ઉમટા, સામાજિક કાર્યકર્તા નાસિરભાઈ લોટિયા સહિત ગામના આગેવાનો, શિક્ષણપ્રેમીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણ દ્વારા જ સમાજમાં જાગૃતિ,પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થઈ શકે છે :: હસન અશકરીમિયાં
ઉદ્ઘાટન બાદ શાળાના મદની હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૈયદ હસન અશ્કરી મિયાંએ પોતાના સંબોધનમાં શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, “ઇલ્મ એ રોશની છે.” શિક્ષણનો ફેલાવો એ સમાજની સૌથી મોટી ભલાઈ પૈકીનું એક છે. તેથી ઈલ્મના પ્રસાર સહિત દરેક સારા અને સેવાકીય કાર્યમાં લોકોએ એકબીજાને સહયોગ આપવો જોઈએ. શિક્ષણ દ્વારા જ સમાજમાં જાગૃતિ, પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થઈ શકે છે.આ પ્રસંગે શાળાની શૈક્ષણિક પ્રગતિ, વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય, શિક્ષકો અને શાળા પરિવારની સુખાકારી તેમજ સમગ્ર સમાજની શૈક્ષણિક અને સામાજિક ઉન્નતિ માટે ખાસ દુઆ કરવામાં આવી હતી.
શિક્ષણ મેળવવા માટે ટંકારીઆ પંથકના ગામોના વિદ્યાર્થીઓને હવે દૂરના સ્થળોએ જવું નહિ પડે

ઉલ્લેખનીય છે કે ધોરણ ૧૦ પૂર્ણ કર્યા બાદ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવવા માટે ટંકારીઆ અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓને દૂરના સ્થળોએ જવું પડતું હતું. હવે એમ.એ.એમ. હાઈસ્કૂલમાં ધોરણ ૧૧ અને ૧૨ના વર્ગો શરૂ થવાથી વિદ્યાર્થીઓ ને પોતાના ગામમાં જ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવવાની તક ઉપલબ્ધ થશે.આ પહેલથી વિદ્યાર્થીઓનો સમય અને મુસાફરીનો ખર્ચ બચશે, સાથે જ વાલીઓને પણ પોતાના સંતાનોના શિક્ષણ અને સલામતી અંગે મોટી રાહત મળશે. શાળા સંચાલન મંડળ દ્વારા માત્ર ભૌતિક સુવિધાઓ ઊભી કરવા પૂરતું જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સંસ્કાર,શિસ્ત, નૈતિક મૂલ્યો અને આત્મવિશ્વાસ નો વિકાસ થાય તે દિશામાં પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.








