ક્ષયરોગ મુક્ત ભારતના લક્ષ્યાંક ને સાકાર કરવા સરકારનો ડિજિટલ પ્રહાર :: “ટીબી મુક્ત ભારત એપ” શરૂ કરાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દેશને ક્ષયરોગ (ટીબી) મુક્ત બનાવવાના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ‘ટીબી મુક્ત ભારત એપ’ શરૂ કરવામાં આવી છે. આ ડિજિટલ પહેલના માધ્યમથી ટીબીના દર્દીઓને સારવાર, માર્ગદર્શન, પોષણ સહાય સહિતની વિવિધ સેવાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ એપ દ્વારા ટીબીના દર્દીઓ, નિ-ક્ષય મિત્રો, સ્વયંસેવકો, આરોગ્ય કર્મચારીઓ અને જિલ્લા વહીવટીતંત્રને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર જોડવામાં આવ્યા છે. જેના પરિણામે દર્દીઓની સારવાર, આરોગ્ય સેવાઓનું સંકલન અને સારવારની પ્રગતિનું નિરીક્ષણ વધુ સરળ અને અસરકારક બની શકશે.‘ટીબી મુક્ત ભારત એપ’માં દર્દીઓની સુવિધા માટે અનેક ઉપયોગી સેવાઓ ઉપલબ્ધ છે. તેમાં ‘ખુશી – આપકી ઈ-સંગીની’ નામની ડિજિટલ સહાયક સુવિધા સામેલ છે, જે વપરાશકર્તાઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડે છે. આ ઉપરાંત તબીબી સલાહ અને સહાય માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800116666 પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

ટીબીની સારવારમાં દવાઓની સાથે પૌષ્ટિક આહાર અને માનસિક સહકાર પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એપના માધ્યમથી દાતાઓ અને સામાજિક સંસ્થાઓ ‘નિ-ક્ષય મિત્ર’ તરીકે જોડાઈ દર્દીઓને પોષણ સહાય અને નૈતિક સમર્થન આપી શકશે. સાથે જ સ્વયંસેવકો ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ટીબી અંગે જનજાગૃતિ ફેલાવવામાં યોગદાન આપી શકશે.આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને જિલ્લા વહીવટીતંત્ર માટે પણ આ એપ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેના માધ્યમથી દર્દીઓની નિયમિત તપાસ, સારવારની પ્રગતિ, જરૂરી સંસાધનોની ઉપલબ્ધતા અને સમગ્ર આરોગ્ય વ્યવસ્થાનું મોનિટરિંગ ડિજિટલ રીતે કરી શકાશે. આથી સારવારની પ્રક્રિયામાં ઝડપ, પારદર્શિતા અને સંકલન વધારવામાં મદદ મળશે.

આણંદ જિલ્લાના નાગરિકોને પણ પોતાના સ્માર્ટફોનમાં ‘ટીબી મુક્ત ભારત એપ’ ડાઉનલોડ કરી તેનો લાભ લેવા તેમજ નિ-ક્ષય મિત્ર અને સ્વયંસેવક તરીકે જોડાઈ ટીબી નાબૂદીના અભિયાનમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. સમાજના દરેક વર્ગનો સહયોગ મળે તો ટીબી સામેની લડાઈને વધુ મજબૂત બનાવી શકાય તેમ છે.ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાને ટીબી મુક્ત બનાવવાના હેતુથી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટીબી અધિકારી ડૉ. દીપક પરમાર તથા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ સ્તરે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!