ભરૂચમાં દબાણકર્તાઓ સામે તંત્રની લાલ આંખ, કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધી મેગા ડિમોલેશન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો સામે આખરે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગ એવા કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધી તંત્ર દ્વારા મેગા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીને પગલે દબાણકર્તાઓ મા ભારે ફફડાટ ફેલાયો હતો.શહેરમાં લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા સર્જતા અને વાહન ચાલકો માટે અડચણરૂપ બનતા દબાણો સામે વહીવટી તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું. જાહેર રસ્તાઓ ખુલ્લા કરવા અને ટ્રાફિકની સમસ્યામાંથી નાગરિકોને મુક્તિ અપાવવાના હેતુથી કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધીના વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.મેગા ડિમોલેશન કામગીરીમાં પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા.પાલિકાની ટીમ દ્વારા જેસીબી સહિતનાં સાધનોની મદદથી રસ્તા પર અડચણરૂપ બનેલા કાચા-પાકા બાંધકામો, લારી-ગલ્લા અને શેડ દૂર કરવામાં આવ્યા હતા.કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પોલીસના પહેરા વચ્ચે તંત્રએ દબાણો દૂર કરવાની કામગીરી આગળ ધપાવી હતી.ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્રની આ આકરી કાર્યવાહીથી શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણો કરીને બેઠેલા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. મુખ્ય માર્ગો પરથી અડચણરૂપ દબાણો દૂર થતાં વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોમાં રાહતની લાગણી જોવા મળી હતી.જોકે, હવે નાગરિકોમાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શું આ દબાણ હટાવ ઝુંબેશ માત્ર મુખ્ય માર્ગ પૂરતી જ સીમિત રહેશે કે પછી શહેરના આંતરિક વિસ્તારો, બજારો અને અન્ય ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર પણ તંત્ર આવી જ કડક કાર્યવાહી કરશે?

ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!