વાગરા તાલુકામાં વીજ ચોરી અને ગેરકાયદેસર વીજ વપરાશને ડામવા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે વહેલી પરોઢે સારણ ગામે વિજિલન્સ ટીમ અને સ્થાનિક વીજ તંત્ર દ્વારા અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતાં વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

સામાન્ય રીતે દિવસ દરમિયાન થતી તપાસથી સાવચેત થઈ જતા તત્ત્વોને પકડવા વીજ તંત્રએ વહેલી સવારનો સમય પસંદ કર્યો હતો. ગામલોકો ઊંઘમાં હતા ત્યારે જ અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓની ટીમ ગામમાં પહોંચી ગઈ હતી. ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં એકસાથે તપાસ શરૂ કરવામાં આવતાં ગેરકાયદેસર રીતે વીજળી વાપરતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

ચેકિંગ દરમિયાન ઘરવપરાશ અને વાણિજ્યિક વીજ જોડાણોમાં ગેરકાયદેસર કનેક્શન, મીટર સાથે છેડછાડ અને મંજૂરી વિના વીજળીના ઉપયોગના કિસ્સાઓ સામે આવ્યા છે. તપાસ ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર વાયરો જપ્ત કરી વીજ વપરાશની આકારણી કરવાની સાથે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.ગેરકાયદેસર વીજ વપરાશના કારણે વીજ વિતરણ વ્યવસ્થા પર વધારાનો બોજ પડે છે અને કેટલાક વિસ્તારોમાં લો-વોલ્ટેજ સહિતની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.સારણ ગામે હાથ ધરાયેલા સરપ્રાઈઝ ચેકિંગ બાદ હવે વીજ ચોરીના કિસ્સાઓમાં કેટલો દંડ ફટકારવામાં આવે છે અને જવાબદારો સામે કાયદેસરની કેટલી કાર્યવાહી થાય છે તે જોવાનું રહયુ.

વીજ ચોરી સામેની ઝુંબેશ વાગરા તાલુકાનાં અન્ય ગામોમાં પણ નિયમિત હાથ ધરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે.ઉલ્લેખનીય છે કે વીજળીની ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાય અને પ્રામાણિક ગ્રાહકોને નિયમિત તથા ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળે તે માટે વીજ તંત્રએ સતત દેખરેખ રાખવી અત્યંત જરૂરી બની છે.
DIGITAL YUG NEWS ,VAGRA









