આણંદ ના હાડગુડ ગામે દસ્તાવેજો પોતાના અને બીજાના મકાનનો ફોટો દર્શાવી ને રૂપિયા ૬ લાખની લૉન હડપી લેવાના કારસાનો પર્દાફાશ થવા પામ્યો છે.મિલકત નંબર-૧૧૪ ના દસ્તાવેજો અને મિલકત નંબર-૧૧૫ મા આવેલ અન્યની માલિકીના મકાનનો ફોટો દર્શાવી ને લોન મેળવવાના ષડયંત્ર ની ગંધ મૂળ મિલકત માલિકને આવી જતા સમગ્ર કૌભાંડ ખુલ્લો પડી ગયો છે.ખરાઈ કર્યા વિના જ લોન મંજૂર કરી દીધી કે શું ?? તેવા ગંભીર સવાલો પણ ઉપસ્થિત થવા પામ્યા છે.આ સમગ્ર પ્રકરણમાં L&T ફાઇનાન્સની સ્થળ તપાસ સામે પણ અનેક સવાલો ઉભા થવા છે.આણંદ જિલ્લાના હાડગુડ ગામના વજીફાદાર ફળિયામાં રહેતા રૂકનુદ્દીન જલાલુદ્દીન સૈયદ દ્વારા L&T ફાઇનાન્સની ખંભાત બ્રાન્ચ પાસેથી રૂ.૬ લાખની લોન મેળવવા માટે મિલકતના દસ્તાવેજી પુરાવા સાથે અન્ય વ્યક્તિની માલિકીના મકાનનો ફોટો રજૂ કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. દસ્તાવેજો પોતાની મિલકતના અને ફોટોગ્રાફ બીજાની મિલકતનો દર્શાવવામાં આવતા છેતરપિંડી ની સાજીશ નો ભાંડો ફૂટી જતા સમગ્ર હાડગુડ પંથકમાં ભારે સનસનાટી ફેલાઈ જવા પામી છે.રૂકનુદ્દીન સૈયદ દ્વારા મિલકત નંબર-૧૧૪ ના દસ્તાવેજી પુરાવા રજૂ કરી તેના આધારે L&T ફાઇનાન્સમાં લોન મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, આ પ્રક્રિયામાં રજૂ કરવામાં આવેલો મકાનનો ફોટો અન્ય વ્યક્તિની માલિકીની મિલકતનો હોવાનો દાવો મૂળ મિલકત માલિક દ્વારા કરવામાં આવ્યો છે. એટલે કે, મિલકતના દસ્તાવેજો પોતાના નામે અને ફોટો અન્યના મકાનનો હોવાના કારણે સમગ્ર લોન પ્રક્રિયાને શંકાના ઘેરામાં લાવી દીધી છે.આ તમામ બાબતની જાણ મૂળ મિલકત માલિકને થતાં જ તેમણે તાત્કાલિક વાંધો ઉઠાવ્યો હતો. પોતાની માલિકીની મિલકતનો ઉપયોગ અન્ય વ્યક્તિ દ્વારા લોન મેળવવા કે મોર્ગેજની પ્રક્રિયામાં કરવામાં આવી રહ્યો હોવાની વાત સાથે તેમણે L&T ફાઇનાન્સ તેમજ આણંદ સબ રજિસ્ટ્રાર કચેરી સમક્ષ લેખિતમાં વાંધા અરજી રજૂ કરી છે. આ રજૂઆત બાદ મોર્ગેજ પ્રક્રિયા અને રજૂ કરાયેલા દસ્તાવેજોની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ફાઇનાન્સ કંપનીની તપાસ પ્રક્રિયા સામે ગંભીર સવાલો….!!!!
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, કોઈપણ મિલકત સામે લોન આપતાં પહેલાં તેની માલિકી, દસ્તાવેજો અને સ્થળની વાસ્તવિક પરિસ્થિતિની ખરાઈ કરવાની જવાબદારી ફાઇનાન્સ કંપનીની પ્રક્રિયાનો મહત્ત્વનો ભાગ હોય છે. તો પછી આ કિસ્સામાં ખરેખર સ્થળ તપાસ કરવામાં આવી હતી કે માત્ર કાગળો અને ફોટોગ્રાફના આધારે જ લોનની પ્રક્રિયા આગળ વધારવામાં આવી..??? જો સ્થળ તપાસ થઈ હતી તો અન્યની માલિકીનું મકાન હોવાની બાબત ધ્યાનમાં કેમ લેવામાં ન આવી?? અને જો રૂ. ૬ લાખની લોન ચૂકવાઈ ગઈ હોય તો તેની જવાબદારી નક્કી કરી લૉન મંજુર કરનાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે તેવી માંગણી અરજદાર દ્વારા કરવામાં આવી છે.
રૂકનુદિન સૈયદે મિલ્કતના ખૂંટ પણ ખોટા દર્શાવ્યા
રૂકનુંદિન સૈયદે મિલકત ની વિગતો ખોટી દર્શાવી ને ફાઇનાન્સ કંપનીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.રૂકનુંદીને મિલકતના વર્ણન ના પેરામાં મિલકત નંબર-૧૧૪ ની દક્ષિણ દિશામાં જલાલુદ્દીનનું મકાન બતાવવામાં આવ્યું છે.જે તદ્દન ખોટું દર્શાવાયું હોવાની સત્તાવાર વિગતો દસ્તાવેજોથી સાબિત થઈ રહી છે.ખરેખર દક્ષિણ દિશામાં મિલકત નંબર-૧૧૫ જે આકારણી મુજબ અન્યની માલિકી ની મિલકત હોવાનું ખુલવા પામ્યું છે.આમ,રૂકનુંદીને આબાદ રીતે એલ એન્ડ ટી ફાઇનાન્સને ચૂનો ચોપડવામાં સફળતા મેળવી હોવાની ચર્ચાઓ ચૌરે ને ચૌટે જોર શોર થી ચર્ચાઈ રહી છે.
રજૂઆત સાંભળવાને બદલે L & T ના સફવાન મલેક તેમજ આકાશ પ્રજાપતિ નું અસભ્ય વર્તન….!!!!
આ સમગ્ર મામલે L&T ફાઇનાન્સની ખંભાત બ્રાન્ચના મેનેજર મોહંમદ સફવાન મલેક તેમજ આણંદ જિલ્લાના એરિયા મેનેજર આકાશ પ્રજાપતિની ભૂમિકા પણ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. મિલકતના મૂળ માલિકે પોતાના મકાનના ફોટાનો અન્ય વ્યક્તિ દ્વારા લોન મેળવવા માટે ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની રજૂઆત કરતાં બંને અધિકારીઓએ તેમની સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.મૂળ માલિકની રજૂઆતને ગંભીરતાથી લઈ મિલકતની માલિકી અને ફોટોગ્રાફની ખરાઈ કરવાને બદલે લોનની પ્રક્રિયા આગળ વધારવા માટે વધુ ઉતાવળ બતાવવામાં આવી હતી.હવે સવાલ એ છે કે, મૂળ માલિક જ પોતાની મિલકત અંગે વાંધો ઉઠાવી રહ્યો હોય ત્યારે ફાઇનાન્સ કંપનીના અધિકારીઓએ પહેલાં સત્યની ખરાઈ કરવી કે લોન આપવાની ઉતાવળ કરવાની આ બાબતે ફાઇનાન્સ કંપનીના ઉચ્ચ અધિકારીઓ યોગ્ય તપાસ હાથ ધરી કંપનીને આર્થિક નુક્શાનમાં ઉતારવાની પેરવી કરનાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ બુલંદ થઈ છે.ઉલ્લેખનીય છે કે ફાઇનાન્સ કંપનીના જવાબદાર અધિકારીઓનું નકારાત્મક વલણ મિલકતની ખરાઈની પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઊભા કરે છે
આણંદ ના સબ રજિસ્ટ્રાર ની ભૂમિકા શંકાના ઘેરામાં….!!!
મૂળ મિલકત માલિકે લેખિત વાંધો રજૂ કર્યા બાદ હવે સબ રજિસ્ટ્રાર કચેરીએ રજૂ કરાયેલા દસ્તાવેજોની ખરાઈ કરવામાં જાણી બુજી ને રજિસ્ટ્રાર ગઢવી દ્વારા નિષ્ક્રિયતા દાખવી હોવાનું કહેવાય છે. સાથે જ L&T ફાઇનાન્સ દ્વારા લોન મંજૂરીની સમગ્ર પ્રક્રિયા, સ્થળ તપાસના રિપોર્ટ, મિલકતના ફોટોગ્રાફ અને દસ્તાવેજોની ચકાસણીની તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠવા પામી છે.બીજાની મિલકતનો ફોટો રજૂ કરીને લોન મેળવનાર વિરુદ્ધ માલિકના મિલકતી હકો સાથે ચેડાં કરવાનો પણ ગંભીર મામલો બની શકે છે.હવે જોવાનું એ રહ્યું કે L&T ફાઇનાન્સ પોતાની તપાસમાં શું બહાર લાવે છે અને સબ રજિસ્ટ્રાર કચેરીના રજિસ્ટ્રાર એસ.યુ.ગઢવી આ ગંભીર રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે….???એ તો આવનાર સમય જ બતાવશે.








