અંકલેશ્વર-વાલિયા રોડ પર ચાલી રહેલા માર્ગકામ દરમિયાન ગુજરાત ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતાં અચાનક પ્રેશર સાથે ગેસ બહાર નીકળવા લાગ્યો હતો. ગેસના જોરદાર લીકેજને કારણે આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.ગેસની પાઇપલાઇનને નુકસાન પહોંચવાની ઘટનાએ બાંધકામ કામગીરીમાં સાવચેતી અને સુરક્ષાનાં પગલાં અંગે સવાલો ઊભા કર્યા છે. ઘટનાની જાણ થતાં જ ડી.પી.એમ.સી.ના ફાયર ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ફાયર વિભાગની ટીમે જરૂરી સુરક્ષાત્મક કામગીરી હાથ ધરી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. બીજી તરફ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગેસ લીકેજને અટકાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.ગેસ પાઇપલાઇન મા ભંગાણ થતાં માર્ગ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.ગેસ પ્રેશર સાથે બહાર નીકળતો હોવાથી આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સદનસીબે તાત્કાલિક કાર્યવાહીથી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. જોકે, આ ઘટનાએ માર્ગકામ દરમિયાન જમીનની અંદરથી પસાર થતી ગેસ પાઇપલાઇન સહિતની મહત્વપૂર્ણ સેવાઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

જો સમયસર ગેસ લીકેજની જાણ ન થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નહોતી. હવે સંબંધિત તંત્રએ આ ઘટનાની તપાસ કરી પાઇપલાઇનમાં ભંગાણ થવા પાછળનું ચોક્કસ કારણ બહાર લાવવું જરૂરી બન્યું છે, જેથી ભવિષ્યમાં આવી જોખમી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય








