આમોદના રોઝાટંકારીયા ગામે પંચાયતની મંજૂરી વિના ગૌચરની જમીન પર ડામર પ્લાન્ટ ઉભું કરાતા વિવાદ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આમોદ તાલુકાના રોઝાટંકારીયા ગામે સરકારી ગૌચરની જમીનનો ઉપયોગ કરવાના મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે. દહેજ-આમોદ માર્ગના કામ માટે આવેલા કોન્ટ્રાક્ટરે ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી કે એનઓસી મેળવ્યા વિના ગામ નજીક વોટરવર્ક્સની પાણીની ટાંકી પાસે આવેલી ગૌચરની જમીન પર ડામર પ્લાન્ટ ઊભો કરી દીધો હોવાના ગંભીર આક્ષેપો થયા છે.

આ મામલે સરપંચ સહિત પંચાયતના સભ્યો, ખેડૂતો અને ગ્રામજનો મેદાનમાં ઉતરતાં સ્થળ પર ભારે હોબાળો મચ્યો હતો.ગામના પશુધન માટે અનામત રાખવામાં આવેલી ગૌચરની જમીન પર ડામર પ્લાન્ટ શરૂ કરવાની કામગીરી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગ્રામ પંચાયતની મંજૂરી વિના પ્લાન્ટ ઊભો કરાયો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધને પગલે કામગીરી અટકાવવાની ફરજ પડી હતી. એટલું જ નહીં, ગ્રામ પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટરને કામ બંધ કરવા સત્તાવાર નોટિસ પણ ફટકારવામાં આવી છે.

ડામર પ્લાન્ટમાંથી નીકળતી ધૂળ, માટી અને ધુમાડાને કારણે આસપાસનાં ખેતરોમાં ઊભા પાકને નુકસાન થઈ રહ્યું હોવાની ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.સ્થાનિક ખેડૂત ઉસ્માન પટેલના જણાવ્યા અનુસાર કોન્ટ્રાક્ટર અને તેના સુપરવાઈઝરો માર્ગ અને મકાન વિભાગની જમીન હોવાનો દાવો કરીને છેલ્લા બે વર્ષથી આ જમીનનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે, જમીન ખરેખર કયા વિભાગની માલિકીની છે અને પ્લાન્ટ માટે કાયદેસરની મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે તપાસનો વિષય બન્યો છે.એક તરફ ખેડૂતોના પાકને નુકસાનની ફરિયાદ, બીજી તરફ ગૌચરની જમીનનો ઉપયોગ અને ત્રીજી તરફ પીવાના પાણીની ટાંકીની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થતાં સમગ્ર મામલો ગંભીર બન્યો છે.

આ મામલે રોઝાટંકારીયા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રભાઈ પંડવી અને પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારી, આમોદ મામલતદાર, ભરૂચ જિલ્લા કલેક્ટર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. ગૌચરની જમીનના રેકોર્ડની ચકાસણી, ડામર પ્લાન્ટની મંજૂરી, પર્યાવરણીય અસરો અને ખેડૂતોને થયેલા નુકસાનની તપાસ કરવાની માગણી કરવામાં આવી છે.ગ્રામજનોએ તંત્રને એક સપ્તાહનું અલ્ટિમેટમ આપીને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સ્થળ તપાસ કરી ગેરકાયદે પ્લાન્ટ દૂર કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.હવે તંત્ર કોના પક્ષે ઊભું રહેશે? આ સમગ્ર ઘટનાએ અનેક સળગતા સવાલો ઊભા કર્યા છે. ગૌચરની જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી કોણે આપી? જમીનના રેકોર્ડની ખરાઈ કર્યા વિના પ્લાન્ટ કેવી રીતે ઊભો થયો? જો પંચાયતની મંજૂરી લેવામાં આવી નથી તો બે વર્ષથી આ પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં સંબંધિત વિભાગો શું કરતા હતા?

 ડિજિટલ યુગ ન્યૂઝ ,આમોદ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!