અંકલેશ્વર GIDCથી હજીરા પોર્ટ જતા રૂ.૧.૧૨ કરોડના પિગમેન્ટ ગ્રીન-૭ ભરેલ કન્ટેનરના સીલ તોડી માલની સાથે ચેંડા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અંકલેશ્વર GIDCના ઔદ્યોગિક વિસ્તારમાંથી સુરક્ષિત રીતે હજીરા પોર્ટ મોકલવામાં આવી રહેલા અંદાજે રૂ.૧.૧૨ કરોડની કિંમતનો કિંમતી કેમિકલ પિગમેન્ટનો જથ્થો રસ્તામાં જ રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્રાન્સપોર્ટેશન દરમિયાન કન્ટેનરના સુરક્ષિત સીલ સાથે ચેડાં કરી અસલ માલ કાઢી લેવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ રેતી તથા માટી ભરેલી આશરે ૨૫૦ જેટલી થેલીઓ ગોઠવી દેવામાં આવી હોવાની ફરિયાદ અંકલેશ્વર GIDC પોલીસ મથકે નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ, અંકલેશ્વર GIDC સ્થિત શુભશ્રી પિગમેન્ટ્સ કંપનીમાં ગત ૨૬ ઓક્ટોબરના રોજ ‘પિગમેન્ટ ગ્રીન-૭’ નું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. કુલ ૪૪ જંબો બેગમાં (દરેક બેગનું વજન ૩૭૫ કિલોગ્રામ) ભરેલા આ માલની કુલ કિંમત રૂ.૧૧૨,૯૯,૭૬૧ જેટલી થાય છે. આ માલ સુરત સ્થિત હજીરા પોર્ટ સુરક્ષિત પહોંચાડવા માટે વડોદરાની પ્રિયંકા લોજિસ્ટિક્સની સેવા લેવામાં આવી હતી. ટ્રક નંબર (GJ-16-AY-5543)જીજે એ વાય ૫૫૪૩ અને કન્ટેનર નંબર (FANU 102241) મારફતે રવાના કરાયેલા આ માલની સુરક્ષા માટે ઈ-સીલ અને OTS સીલ પણ લગાવવામાં આવ્યાં હતાં. જો કે, ગત ૨૯ ઓક્ટોબરના રોજ કન્ટેનર હજીરા પોર્ટ પહોંચતા તપાસ દરમિયાન સીલ તૂટેલાં હોવાનું અને માલ સાથે ચેડાં થયાનું પ્રકાશમાં આવ્યું હતું.તપાસ દરમિયાન ખુલ્યું કે કન્ટેનરમાં રહેલો અસલ પિગમેન્ટ ગ્રીન-૭ નો જથ્થો ગાયબ કરી દેવાયો છે અને તેની જગ્યાએ સિમેન્ટની પ્લાસ્ટિક થેલીઓમાં રેતી તથા માટી ભરીને અંદાજે ૨૫૦ થેલીઓ મૂકી દેવામાં આવી હતી, જેથી વજનમાં મોટો તફાવત ન પડે અને ચોરી પકડાઈ ન જાય.આ-કૌભાંડ અંગે કંપનીના પ્રતિનિધિ ધનંજય કૃષ્ણસ્વામી શ્રીવત્સને અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસે આ મામલે ગુનો નોંધીને પરિવહન દરમિયાન કન્ટેનર ક્યાં-ક્યાં રોકાયું હતું, ડ્રાઇવર અને ટ્રાન્સપોર્ટર્સની ભૂમિકા શું છે તેમજ આ માલ કઈ જગ્યાએ સગેવગે કરવામાં આવ્યો તે દિશામાં સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ ઘટનાએ ઔદ્યોગિક એકમોમાંથી હાઈ-વે અને પોર્ટ સુધી માલ મોકલતી વખતે લોજિસ્ટિક્સ અને સિક્યોરિટી સિસ્ટમની વિશ્વસનીયતા સામે ખૂબ જ ગંભીર સવાલો ઊભા કર્યા છે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!