ભરૂચ જિલ્લાના જંબુસરને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. જંબુસર ખાતે નિર્માણ પામી રહેલા મહત્વાકાંક્ષી બલ્ક ડ્રગ પાર્ક પ્રોજેક્ટને નવી ગતિ આપવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી જંબુસર સહિત સમગ્ર ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક જગતમાં ઉત્સાહ અને નવી આશાઓનો સંચાર થયો છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા સોશિયલ મીડિયા મારફતે જાહેર કરવામાં આવેલી આ યોજનાનો મુખ્ય હેતુ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે મોટા પાયે મૂડીરોકાણ આકર્ષવાનો, નવા ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન આપવાનો અને રાજ્યમાં દવા ઉત્પાદન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનો છે.સરકારની આ વિશેષ યોજના હેઠળ જંબુસર બલ્ક ડ્રગ પાર્કમાં સ્થાપિત થનારા પાત્ર ઔદ્યોગિક એકમોને તેમના કુલ મૂડીરોકાણ પર ૧૦ ટકા સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત વીજળી અને પાણી જેવા આવશ્યક યુટિલિટી ખર્ચમાં પણ ૧૦ વર્ષ સુધી રિઇમ્બર્સમેન્ટનો લાભ મળશે.એટલું જ નહીં, પાર્કમાં જમીન ખરીદી અને તેની નોંધણી વખતે ચૂકવવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી તથા રજિસ્ટ્રેશન ફીમાં ૧૦૦ ટકા રિઇમ્બર્સમેન્ટની જોગવાઈ પણ કરવામાં આવી છે.

આ પ્રોત્સાહનોના કારણે નવા ઉદ્યોગો સ્થાપવા ઇચ્છતા રોકાણકારો માટે જંબુસર વધુ આકર્ષક ઔદ્યોગિક સ્થળ બની શકે છે.જંબુસર બલ્ક ડ્રગ પાર્ક માત્ર એક ઔદ્યોગિક પ્રોજેક્ટ નથી, પરંતુ ભરૂચ જિલ્લાના ભવિષ્યના આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ તક સમાન છે. આ પ્રોજેક્ટમાં નવા ફાર્માસ્યુટિકલ અને કેમિકલ ઉદ્યોગો સ્થપાય તો સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ શકે છે. સાથે જ પરિવહન, લોજિસ્ટિક્સ, હોટલ વ્યવસાય, નાના-મોટા વેપારીઓ અને અન્ય આનુષંગિક ઉદ્યોગોને પણ તેનો સીધો કે આડકતરો લાભ મળી શકે છે.ગુજરાત સરકારની આ પહેલથી જંબુસરને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફાર્માસ્યુટિકલ ઉત્પાદન ક્ષેત્રે ઓળખ અપાવવાની સંભાવનાઓ વધી છે. આકર્ષક સબસિડી અને લાંબા ગાળાના આર્થિક પ્રોત્સાહનોના પગલે દેશ-વિદેશના રોકાણકારો જંબુસર તરફ આકર્ષાય તેવી આશા સેવાઈ રહી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ,જંબુસર
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








