ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક સુવિધાઓનો વ્યાપ વધારવાની દિશામાં ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ દ્વારા મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનાં કાવીઠા તેમજ વહેરા ગામના નાગરિકોને ઘરઆંગણે પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ની સુવિધા પૂરી પાડવાના હેતુથી ગેસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે ગેસ પાઇપલાઇનનું પૂજન કરવામાં આવ્યું હતું.

કાવીઠા ગામે હિતેશભાઈ મણીભાઈ પટેલના નિવાસસ્થાને PNG ગેસ કનેક્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જ્યારે વહેરા ગામે રાજેશભાઈ કાંતિભાઈ પટેલના નિવાસસ્થાને PNG ગેસ કનેક્શનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પહેલથી બંને ગામોમાં ઘરેલુ ગેસ સુવિધાના વિસ્તરણ તરફ મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો સુધી પાઇપલાઇન મારફતે ગેસની સુવિધા પહોંચાડવાના પ્રયાસોના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. PNG ગેસની સુવિધા ઉપલબ્ધ થવાથી ગ્રામજનોને રસોઈ માટે ઘરઆંગણે ગેસ મેળવવાની સુગમતા મળશે અને દૈનિક જીવન વધુ સરળ બનશે.પરંપરાગત ઇંધણની સરખામણીએ પાઇપ્ડ નેચરલ ગેસનો ઉપયોગ ઘરેલુ ઊર્જા વ્યવસ્થામાં સુવિધાજનક વિકલ્પ બની શકે છે. કાવીઠા અને વહેરા ગામમાં આ સેવા શરૂ થવાથી ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પહોંચાડવાના પ્રયાસોને પ્રોત્સાહન મળશે.

આ પ્રસંગે ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડના ચેરમેન સુરેશભાઈ પી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાવીઠા ગ્રામ પંચાયતના સરપંચ સચીનભાઈ પટેલ, વહેરા ગ્રામ પંચાયતના સરપંચ કુશાગ્રભાઈ પટેલ,જિલ્લા પંચાયતનાં સભ્ય નયનાબેન ઠાકોર,જિલ્લા પંચાયતના સભ્ય જયનસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









