ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ ભરૂચ જિલ્લાના રાણીપુરા ખાતે આવેલી શાળાની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે બાળકોને આપવામાં આવતી સુવિધાઓ અને સ્વચ્છતાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતનાં પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન કર્મિષાબેન પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મુલાકાત દરમિયાન શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ શાળાનાં બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજનનો લાભ લીધો હતો. આ સાથે તેમણે શાળામાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા, સ્વચ્છતા અને બાળકોને ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.શિક્ષણમંત્રીએ શાળામાં સેનેટેશનની સ્વચ્છતા, તેની ઉપયોગિતા અને જાળવણીની સ્થિતિની પણ ચકાસણી કરી હતી. શાળામાં બાળકોને સ્વચ્છ અને સુખદ વાતાવરણ મળી રહે તેમજ તેમને ઉપલબ્ધ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થાય તે દિશામાં વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

શિક્ષણમંત્રીની આ આકસ્મિક મુલાકાતથી શાળાની શૈક્ષણિક અને પાયાની સુવિધાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે સ્વચ્છ વાતાવરણ અને સુવિધાસભર શાળા મળી રહે તે માટે આવી મુલાકાતો મહત્ત્વપૂર્ણ બની રહે છે.









