ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશનો પ્રારંભ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લામાં મતદાર યાદીની સતત સુધારણા પ્રક્રિયાને વેગ આપવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં હાથ ધરાયેલી ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ લાયક નાગરિક મતદાર યાદીમાં નામ નોંધાવવાથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં SIRની કામગીરી પૂર્ણ થયા બાદ મતદાર યાદીની સતત સુધારણા પ્રક્રિયા અંતર્ગત આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ૧૮ થી ૧૯ વર્ષના નવયુવાનો અને પ્રથમ વખત મતદાર બનવા માટે પાત્રતા ધરાવતા નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધાવવાની તક પૂરી પાડવામાં આવી રહી છે.આ ઝુંબેશ અંતર્ગત ૧૧, ૧૮ અને ૨૫ ઓક્ટોબર તથા ૧ નવેમ્બર, ના રોજ વિશેષ દિવસોનું આયોજન કરવામાં આવ્યું છે. ઝુંબેશના પ્રથમ દિવસે રવિવારે જિલ્લાના તમામ બૂથ લેવલ અધિકારીઓ (BLO) સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી પોતપોતાના મતદાન મથકો પર ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મતદાર યાદીમાં નામ નોંધાવવાનું બાકી હોય તેવા નાગરિકો તેમજ પ્રથમ વખત મતદાર બનવા પાત્ર નાગરિકો પાસેથી જરૂરી આધાર-પુરાવા સાથે હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મતદાર નોંધણીની પ્રક્રિયા સરળ બને તે માટે આ ખાસ ઝુંબેશ હેઠળ નામ નોંધણી માટે ડિક્લેરેશન ફોર્મ ભર્યા વિના અરજી સ્વીકારવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.દરમિયાન, ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ પટેલ વેલ્ફેર ડેન્ટલ કોલેજ તથા ઇકરા એજ્યુકેશન સંકુલ ખાતે આવેલા મતદાન મથકોની મુલાકાત લીધી હતી. તેમણે મતદાર નોંધણીની કામગીરીની સમીક્ષા કરી બૂથ લેવલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, મતદાર યાદીમાં નવું નામ નોંધાવવા આવેલા યુવાનો અને નાગરિકો સાથે સીધો સંવાદ સાધી તેમને મતદાર નોંધણી માટે પ્રોત્સાહિત કર્યા હતા.જિલ્લા ચૂંટણી અધિકારી એ ખાસ કરીને ૧૮ થી ૧૯ વર્ષના નવયુવાનોને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી લોકશાહીના મહાપર્વમાં સક્રિય ભાગીદાર બનવા અપીલ કરી હતી. મતદાર યાદીમાં નામ નોંધાવવું એ લોકશાહી પ્રક્રિયામાં ભાગીદારી માટેનું પ્રથમ પગલું છે, ત્યારે તમામ પાત્ર નાગરિકો આ તકનો લાભ લે અને સમયસર નોંધણી કરાવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!