ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.આ અન્વયે યોજાયેલી જિલ્લા કક્ષાની અંડર-૧૧ બહેનોની લૉન ટેનિસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાભરમાંથી ઉત્સાહી ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ રોમાંચક સ્પર્ધામાં જિમખાના ટેનિસ એકેડમી, અંકલેશ્વરની બે પ્રભાવી ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત કૌશલ્યનું પ્રદર્શન કરી મેડલ્સ પ્રાપ્ત કર્યા છે અને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. સ્પર્ધામાં દિત્યા એ. પટેલે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સુવર્ણ સફળતા હાંસલ કરી હતી તો સ્વરા પી. સોનીએ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરીને કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો.બંને યુવા ખેલાડીઓએ પોતાની અથાક મહેનત,દ્રઢ લગન અને રમતકૌશલ્યના બળે આ ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે.

જિલ્લા કક્ષાએ ઝળહળતી સફળતા મેળવ્યા બાદ હવે આ બંને ખેલાડીઓ આગામી રાજ્ય કક્ષાની લૉન ટેનિસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.ખેલાડીઓની આ સિદ્ધિ બદલ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના કોચ, સંચાલક મંડળ તથા ભરૂચ જિલ્લાના રમતપ્રેમીઓ દ્વારા બંને વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ તેઓ ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.









