આમોદ :: નેશનલ હાઈવે-૬૪ ના લોકાર્પણ બાદ કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી કરી,રસ્તાના કામનો શ્રેય અગાઉના વિરોધને આપતી કોંગ્રેસ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આમોદ–જંબુસર નેશનલ હાઈવે નંબર ૬૪ પર ચાર રસ્તાથી બત્રીસી નાળા સુધીના નવનિર્મિત RCC માર્ગના લોકાર્પણ બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ આમોદ તાલુકા કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. કોંગ્રેસે આ ઉજવણીને કોઈ એક રાજકીય પક્ષની નહીં, પરંતુ આમોદ–જંબુસર વિસ્તારની જનતાની જીત ગણાવી હતી.ગતરોજ ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા રીબીન કાપીને અને શ્રીફળ વધેરી માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તેમણે નિવેદન આપ્યું હતું કે, NH-64નો બિસ્માર માર્ગ વિપક્ષ માટે વિરોધનો મુખ્ય મુદ્દો હતો, પરંતુ હવે માર્ગ બની જતાં વિપક્ષ પાસે વિરોધ કરવા માટે કોઈ મુદ્દો રહ્યો નથી.ધારાસભ્યના નિવેદન બાદ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ (કાજી)એ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, NH-૬૪ પર બિસ્માર માર્ગને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓ સામે કોંગ્રેસ દ્વારા અગાઉ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આ વિરોધ બાદ જ તંત્ર અને સરકાર દ્વારા રસ્તાનું કામ કરવામાં આવ્યું હોવાનો તેમણે દાવો કર્યો હતો.કોંગ્રેસના જણાવ્યા મુજબ, માર્ગના પ્રશ્ને જનતાને પડતી હાલાકી સામે અવાજ ઉઠાવવો એ વિપક્ષ તરીકેની તેમની જવાબદારી હતી. રસ્તાનું કામ પૂર્ણ થતાં કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી

અને આને આમોદ–જંબુસર વિસ્તારના લોકોની જીત ગણાવી હતી.એક તરફ RCC માર્ગના લોકાર્પણની ઉજવણી થઈ રહી છે, તો બીજી તરફ માર્ગ પર જરૂરી ટ્રાફિક સુરક્ષા વ્યવસ્થાઓને લઈને સવાલો ઊભા થયા છે. કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ (કાજી)એ આક્ષેપ કર્યો હતો કે, નવનિર્મિત માર્ગ પર જરૂરી સાઈન બોર્ડ અને ટ્રાફિકનાં ચિહ્નો મૂકવામાં આવ્યાં નથી. આવી સ્થિતિમાં વાહનચાલકોને મુશ્કેલી પડવાની અને અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે.

તેમણે માર્ગ પર જરૂરી સ્થળોએ બમ્પર, સાઈન બોર્ડ અને અન્ય ટ્રાફિક સુરક્ષા વ્યવસ્થાઓ તાત્કાલિક ઊભી કરવાની માગ કરી હતી. સાથે જ, આ કામગીરીમાં વિલંબ થશે તો તેની જવાબદારી સંબંધિત તંત્ર અને કોન્ટ્રાક્ટરે લેવી પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.જો આવતીકાલ સુધીમાં NH-64 પર જરૂરી બમ્પર અને ટ્રાફિકનાં ચિહ્નો મૂકવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

 

ડિજિટલ યુગ ન્યૂઝ ,આમોદ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!