ભરૂચની બુસા સોસાયટીમાં અલગ-અલગ ભાષા,સંસ્કૃતિ અને પ્રાદેશિક ઓળખ ધરાવતા પરિવારોની પરંપરાગત શેરી ગરબાની અનોખી રંગત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આજના અત્યાધુનિક સમયમાં મોંઘા કોમર્શિયલ ગરબાના પાસ અને ભવ્ય આયોજનો વચ્ચે પરંપરાગત શેરી ગરબાનું મહત્ત્વ પણ યથાવત્ છે. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી બુસા સોસાયટીમાં યોજાતા પરંપરાગત શેરી ગરબા આ વાતને સાર્થક કરી રહ્યા છે. અહીં ગરબા માત્ર નૃત્ય કે મનોરંજનનું માધ્યમ નથી, પરંતુ પરિવાર, સંસ્કાર, પરંપરા અને સામાજિક એકતાને મજબૂત બનાવતું માધ્યમ બન્યું છે.

નંદેલાવની બુસા સોસાયટીમાં વર્ષોથી બુસા ઉત્સવ મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.’આપણી દીકરી, આપણા આંગણે, આપણા પરિવાર સાથે’ ની ભાવનાને કેન્દ્રમાં રાખીને યોજાતા આ ગરબામાં સોસાયટીનાં પરિવારો એક જ આંગણે ભેગા થઈને માતાજીની આરાધના કરે છે. મોંઘવારીના સમયમાં ખર્ચાળ ગરબા આયોજનોની વચ્ચે ઘરઆંગણે પરિવાર સાથે સુરક્ષિત અને આનંદમય વાતાવરણમાં ગરબા રમવાનો આ પ્રયાસ લોકો માટે વિશેષ આકર્ષણ બની રહ્યો છે.

બુસા સોસાયટીના શેરી ગરબાની વિશેષતા તેની સામાજિક એકતા છે. અહીં માત્ર ગુજરાતનાં જ નહીં, પરંતુ કેરળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત વિવિધ રાજ્યોમાંથી આવીને વસેલા પરિવારો પણ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. અલગ-અલગ ભાષા, સંસ્કૃતિ અને પ્રાદેશિક ઓળખ ધરાવતા પરિવારો માતાજીની આરાધનામાં એકસાથે જોડાઈને એકતા અને ભાઈચારાનો સંદેશ આપે છે.

અહીં પ્રાંતના ભેદભાવને બદલે પરસ્પર પ્રેમ, સહકાર અને પારિવારિક સંબંધોને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ રીતે બુસા સોસાયટીના શેરી ગરબા વિવિધતામાં એકતાની ભાવનાને જીવંત રાખવાનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

બુસા ઉત્સવ મંડળ દ્વારા ગરબા રમતા ખેલૈયાઓની સાથે ગરબા નિહાળતા પ્રેક્ષકોને પણ પ્રોત્સાહિત કરવાની અનોખી પરંપરા જાળવવામાં આવી છે. ગરબા નિહાળવા આવતા શ્રેષ્ઠ પ્રેક્ષકોને પણ દરરોજ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવે છે. આ પહેલના કારણે ગરબા મહોત્સવમાં ભાગ લેનારાઓની સાથે પ્રેક્ષકોમાં પણ ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે.

મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે માતાજીની આરાધનામાં વિશેષ ઉત્સાહ અને સમર્પણ સાથે ભાગ લેનારી મહિલાઓને નવરાત્રીના અંતિમ દિવસે ‘ક્વીન ઓફ ગરબા’ના સન્માનથી નવાજવામાં આવે છે. નવી પેઢીને સંસ્કાર અને વડીલો પ્રત્યે આદરની ભાવના સાથે જોડવાનો પણ વિશેષ પ્રયાસ કરવામાં આવે છે. નવરાત્રીની આઠમના પાવન દિવસે ૭૦ વર્ષથી વધુ વયના વડીલોને શાલ ઓઢાડીને અને ભેટ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવે છે.બુસા સોસાયટીના શેરી ગરબામાં ભક્તિ, પરંપરા, પરિવારભાવ, મહિલા સશક્તિકરણ અને વડીલો પ્રત્યેના આદરનો સુંદર સમન્વય જોવા મળે છે. અહીં મોંઘા પાસ કે ભવ્ય સ્ટેજ કરતાં સામૂહિક સહભાગિતા, પરસ્પર પ્રેમ અને ઉત્સવની ખુશીને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!