કબીરવડમાં જમીન વિવાદ વકરતા હોડી ઘાટ બંધ,પ્રવાસન વ્યવસ્થા ખોરવાતા પ્રવાસીઓ મુશ્કેલીમા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મંગલેશ્વર ગ્રામ પંચાયત અને હોડી ઘાટના સંચાલક વચ્ચે વિવાદ વકરતા હોડી ઘાટ બંધ થઈ જવા પામ્યો છે. સર્વે નંબર ૮૫૧ અને ૮૫૨ ની જમીનના કબજાને લઈ ને બન્ને પક્ષે વિવાદ થતા હાલ પ્રવાસીઓ માટે હોડી સેવા બંધ કરી દેવામાં આવી છે.

ભરૂચ જિલ્લાની ઓળખ અને નર્મદા નદીના રમણીય પટમાં આવેલું સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કબીરવડ હવે જમીન અને હોડી ઘાટના સંચાલનના વિવાદને લઈને ચર્ચામાં આવ્યું છે. મંગલેશ્વરથી નર્મદા નદી પાર કરીને કબીરવડ પહોંચવા માટે પ્રવાસીઓનો મુખ્ય આધાર ગણાતો હોડી ઘાટ બંધ થતાં પ્રવાસીઓની અવર-જવર પર અસર પડી છે. પાડા ના વાંકે પખાલી ને ડામ ની કહેવતને સાર્થક કરતી ઘટનામાં મંગલેશ્વર ગ્રામ પંચાયત અને હોડી ઘાટના સંચાલક વચ્ચેના વિવાદમાં હવે પ્રવાસન વ્યવસ્થાને જ બ્રેક લાગી જવા પામી છે, ત્યારે વિવાદનો ઉકેલ લાવવાની જવાબદારી કોની તે એક પેચીદો પ્રશ્ન ઊભો થયો છે.

જમીન અને હોડી ઘાટનું સંચાલન અમને સોંપો :: ગ્રામ પંચાયત,મંગલેશ્વર

મંગલેશ્વર ગ્રામ પંચાયતના સત્તાધીશો ના જણાવ્યા અનુસાર, હોડી ઘાટ સાથે સંકળાયેલી સર્વે નંબર ૮૫૧ અને ૮૫૨ ની જમીન ગ્રામ પંચાયતની માલિકીની છે. ગ્રામ પંચાયતનો દાવો છે કે આ જમીનનો કબજો પરત સોંપવામાં આવે અને હોડી ઘાટના સંચાલનની જવાબદારી પણ ગ્રામ પંચાયતને આપવામાં આવે, જેથી હોડી ઘાટમાંથી થતી આવકનો ઉપયોગ ગામના વિકાસ માટે કરી શકાય.આ મુદ્દે ગ્રામ પંચાયતના સરપંચ પંકજ વસાવા અને સભ્યો દ્વારા હોડી ઘાટ તરફ જતો માર્ગ બંધ કરાવવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા જમીનના કબજા અને સંચાલન અંગે પોતાનો હક રજૂ કરવામાં આવતાં વિવાદ વધુ વકર્યો છે.

રૂ.૪૪ લાખ ચૂકવ્યા છતાં ઘાટ બંધ કરાયો :: કમલેશ માછી(હોડી ઘાટ સંચાલક)

બીજી તરફ, હોડી ઘાટના સંચાલક કમલેશ માછીએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત દ્વારા તેમને હોડી ઘાટની ફાળવણી કરવામાં આવી હતી. તેના બદલામાં તેમણે તંત્રને રૂ.૪૪ લાખની રકમ ચૂકવી છે. તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા લેખિત જાણ કરીને હોડી ઘાટ તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યો છે.સંચાલકના જણાવ્યા અનુસાર, આ મામલે તેઓ વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરશે.વિવાદનો ઉકેલ ન આવે અને સક્ષમ તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી હોડી સેવા બંધ રાખવાની સ્થિતિનું નિર્માણ થયુ છે.

સરપંચ અને હોડી સંચાલકના વિવાદનો ભોગ પ્રવાસીઓ બન્યા

કબીરવડની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે મંગલેશ્વરથી હોડી મારફતે નર્મદા નદી પાર કરવી મહત્ત્વપૂર્ણ વ્યવસ્થા છે. ત્યારે હોડી ઘાટ બંધ થવાથી પ્રવાસીઓની અવર-જવરમાં મુશ્કેલી ઊભી ઉભી થઈ છે.એક તરફ ગ્રામ પંચાયત જમીન અને હોડી ઘાટના સંચાલન પર પોતાનો હક દર્શાવી રહી છે, તો બીજી તરફ સંચાલક જિલ્લા પંચાયત દ્વારા કરાયેલી ફાળવણી અને ચૂકવેલી લાખોની રકમનો હવાલો આપી રહ્યો છે. બંને પક્ષના દાવાઓ વચ્ચે હોડી સેવા બંધ રહેતાં કબીરવડની મુલાકાતે આવનારા મુલાકાતીઓ માટે અનિશ્ચિતતાની સાથે મુશ્કેલી ઊભી થવા પામી છે.

ગ્રામ પંચાયત દ્વારા સરકારી બોટ ફાળવવાની માંગ….!!!!

 

ગ્રામ પંચાયત દ્વારા વહીવટી તંત્ર સમક્ષ જરૂરી સમય આપવા અને સરકારી બોટ ફાળવવાની માંગ પણ કરવામાં આવી છે. પ્રવાસીઓની સુરક્ષા જળવાય અને હોડી સેવા યોગ્ય વ્યવસ્થા સાથે ફરી શરૂ થઈ શકે તે માટે વહીવટી તંત્રની દરમિયાનગીરી હવે મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.

વિવાદનો કાયમી ઉકેલ ક્યારે..?? તંત્ર કયા મહુર્ત ની રાહ જુએ છે?

કબીરવડ જેવા સુપ્રસિદ્ધ પ્રવાસન અને તીર્થસ્થળે હોડી સેવા બંધ રહેવી એ પ્રવાસીઓ માટે ચિંતાનો વિષય છે. જમીનની માલિકી કોની છે,હોડી ઘાટની ફાળવણી કયા નિયમો અને શરતો હેઠળ કરવામાં આવી હતી તથા સંચાલનનો અધિકાર કોને મળવો જોઈએ આ તમામ મુદ્દાઓની સક્ષમ તંત્ર દ્વારા સ્પષ્ટતા થવી જરૂરી છે.સૌથી મોટો સવાલ એ છે કે જમીન અને સંચાલનના વિવાદનો ભોગ પ્રવાસીઓએ કેટલો સમય બનવું પડશે? ગ્રામ પંચાયત અને સંચાલક વચ્ચેના વિવાદનો કાયદેસર ઉકેલ લાવી પ્રવાસીઓ માટે સુરક્ષિત હોડી સેવા ફરી શરૂ કરાવવા વહીવટી તંત્ર હવે ક્યારે નક્કર પગલાં ભરે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!