જંબુસર તાલુકાના ખાનપુર દેહગામના લીબડી ફળિયામાં ગૌવંશના કતલ અને ગૌમાંસના જથ્થા અંગે મળેલી બાતમીના આધારે જંબુસર પોલીસે બે સ્થળે દરોડા પાડતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.પોલીસે અંદાજે ૮૦ કિલો ગૌમાંસનો જથ્થો, કતલ કરાયેલા ગૌવંશના અવશેષો અને કતલમાં ઉપયોગમાં લેવાતાં સાધનો કબજે કર્યા છે. ઉપરાંત કતલના ઇરાદે બાંધી રાખવામાં આવેલી એક ગાયને બચાવી લેવામાં આવી છે.પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડી ફરાર શખ્સ ની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રો થકી પ્રાપ્ત માહિતી અનુસાર, જંબુસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી. રાઠવા સહિતનો પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો,તે દરમિયાન ખાનપુર દેહગામના લીબડી ફળિયામાં એક મકાનની પાછળના ખુલ્લા વાડામાં ગૌવંશનું કતલ કરવામાં આવતું હોવાની બાતમી મળતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો.પોલીસે સ્થળ તપાસ કરતાં અંદાજે ૪૦ કિલો ગૌમાંસનો જથ્થો અને કતલ કરાયેલા ગૌવંશના અવશેષો મળી આવ્યા હતા. વાડામાં એક ગાય પણ બાંધી રાખવામાં આવી હતી, જેને પોલીસે બચાવી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસે સલમાન કાદર ઉમરજી રખા (વ્હોરા પટેલ)ને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેનો કુટુંબી સદ્દામ એહમદ ઉમરજી રખા સ્થળ પરથી ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરી છે.પોલીસે લીબડી ફળિયામાં આવેલા અન્ય એક મકાનમાં પણ દરોડો પાડ્યો હતો. અહીંથી વધુ અંદાજે ૪૦ કિલો ગૌમાંસ મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આ મામલે સલમાન અબ્દુલ્લાહ અને તેના પિતા અબ્દુલ્લા ખલજીને ઝડપી લીધા હતા.આમ, બંને સ્થળેથી કુલ અંદાજે ૮૦ કિલો ગૌમાંસનો જથ્થો મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ગૌમાંસના જથ્થા ઉપરાંત સ્થળેથી મળી આવેલા અવશેષો અને અન્ય સાધનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પણ પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.
DIGITAL YUG NEWS









