વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત કલાત્મક પ્રતિભાને ઉજાગર કરવા અને તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના હેતુસર આમોદની સંસ્કાર વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો પ્રારંભ ધારાસભ્ય તથા બી.આર.સી. ઇન્ચાર્જના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્કાર વિદ્યાલયના શિક્ષકગણ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓએ સુંદર સ્વાગતગીત રજૂ કરી કાર્યક્રમના વાતાવરણને ઉલ્લાસમય બનાવ્યું હતું.આ તબક્કે પ્રાસંગિક ઉદબોધન કરતાં ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે, કલા મહાકુંભ માત્ર સ્પર્ધા પૂરતો મર્યાદિત કાર્યક્રમ નથી, પરંતુ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી તેમની કલાત્મક પ્રતિભાને યોગ્ય મંચ પૂરું પાડવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને પોતાની કલા રજૂ કરવાની ક્ષમતાનો વિકાસ કરે છે. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વિચારો દ્વારા પ્રોત્સાહિત કરી પોતાની પ્રતિભાને વધુ નિખારવા માટે અપીલ કરી હતી.

કલા મહાકુંભમાં તાલુકાની ૬૫ શાળાઓ અને ૧૫ ખાનગી શાળાઓ સહિત કુલ ૮૦ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.કલા મહાકુંભમાં તબલાવાદન, હાર્મોનિયમ વાદન, એકપાત્રીય અભિનય, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, ચિત્રકલા, સુગમ સંગીત, લોકગીત, ભજન, ગરબા અને શૌર્યગીત સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.

વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક અભિવ્યક્તિ, સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને રજૂઆતના કૌશલ્ય દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.વિવિધ સ્પર્ધાઓનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરવા માટે કુલ ૧૬ નિર્ણાયક શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી હતી. તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ પોતાની કલાત્મક કૃતિઓ અને પ્રતિભા રજૂ કરવાની તક મળશે.કાર્યક્રમના અંતે સંસ્કાર વિદ્યાલયનાં આચાર્ય વૈશાલી મોદીએ કલા મહાકુંભમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
ડિજિટલ યુગ ન્યુઝ,આમોદ









