આમોદ શહેરમાં રખડતા પશુઓના વધતા ત્રાસ સામે નગરપાલિકા અને ભરૂચ કામધેનુ ગૌ રક્ષા સમિતિએ કડક વલણ અપનાવ્યું છે. શહેરના મુખ્ય બજાર, મેઈન ચોકડી, જાહેર માર્ગો અને ભીડભાડવાળા વિસ્તારોમાં રખડતા પશુઓને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સંયુક્ત રીતે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.આશરે ૭ જેટલા ગાય-વાછરડાંને પકડીને ભરૂચ પાંજરાપોળ ખાતે મોકલવામાં આવતાં પશુમાલિકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના વિવિધ જાહેર માર્ગો પર રખડતાં પશુઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા હતા. રસ્તાની વચ્ચે બેસી રહેતાં પશુઓને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતત રહેતો હતો.ખાસ કરીને શાળાએ જતાં બાળકો, વૃદ્ધો અને અન્ય રાહદારીઓની સલામતી સામે પણ સવાલો ઊભા થયા હતા.

જાહેર માર્ગો પર પશુઓને રખડતા મૂકવાની સમસ્યાને લઈને અગાઉ સૂચનાઓ અને ચેતવણીઓ આપવામાં આવી હોવા છતાં સ્થિતિ યથાવત રહેતાં પાલિકા તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે.
પાલિકાની આ કામગીરીથી નાગરિકોમાં રાહતની આશા જાગી છે. આમોદના નાગરિકો હવે પાલિકા પાસે સતત અને અસરકારક કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે.આમોદ નગરપાલિકાની આ મેગા ડ્રાઈવ સતત ચાલુ રહે છે કે પછી થોડા દિવસો પૂરતી સીમિત રહેશે કે આગળ જતા માત્ર નાટક સાબિત થશે…..???










