શિક્ષણ વિભાગમાં શિક્ષકો અને આચાર્યોને સોંપાતી વિવિધ કામગીરીના ભારણ અંગે સમયાંતરે ઉઠતા સવાલો વચ્ચે વલસાડ જિલ્લાના કપરાડામાં પ્રાથમિક શાળાના આચાર્યના આપઘાતનો બનાવ સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.કપરાડા તાલુકાના નિલોશી ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શંકરભાઈ જાદવ (ઉં.વ ૫૩)એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. બનાવની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને કપરાડા CHC ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.કપરાડાના TDO એ.ઝેડ. પટેલના જણાવ્યા મુજબ, તલાટી કમ મંત્રી દ્વારા કચેરીને આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી.બી. વસાવાના જણાવ્યા મુજબ, શંકરભાઈ જાદવ નિલોશી પ્રાથમિક શાળામાં આશરે ૨૮ વર્ષથી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. આપઘાતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ બાદ જ સ્પષ્ટ થશે. શિક્ષણ વિભાગની ટીમ દ્વારા શાળાના અન્ય શિક્ષકો પાસેથી પણ માહિતી મેળવવામાં આવશે.આચાર્યને કામગીરીના ભારણ અથવા BLO સહિતની કામગીરી અંગે અગાઉ વિભાગને કોઈ લેખિત ફરિયાદ કરી હતી કે નહીં તે અંગે હાલ કોઈ સત્તાવાર ફરિયાદ મળી ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.દરમિયાન, આ બનાવને શિક્ષકો પર વધતી કામગીરીના ભારણ સાથે જોડીને ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે, આપઘાત પાછળનું ચોક્કસ કારણ સત્તાવાર પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે કથિત સ્યુસાઈડ નોટ સહિતના પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવી છે.ઉલ્લેખનીય છે કે શિક્ષકોને શિક્ષણ સિવાયની વિવિધ કામગીરી સોંપાતી હોવાના મુદ્દે અગાઉ પણ વિવિધ શિક્ષક સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા રજૂઆતો થતી રહી છે. કપરાડાના આ બનાવ બાદ ફરી એકવાર શિક્ષકો પરના કામગીરીના ભારણ અને તેમના માનસિક તણાવ અંગે ચર્ચા તેજ બની જવા પામી છે.









