રાજ્ય સરકારના શહેરી વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા અંદાજીત રૂ. ૪.૮૮ કરોડના ખર્ચે ભરૂચ નગરપાલિકાના નવનિર્મિત અદ્યતન ફાયર સ્ટેશનનું ભરૂચના ધારાસભ્યના હસ્તે તખતી અનાવરણ કરી વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જ્યોતિ નગર પાણીની ટાંકી પાસે તૈયાર કરવામાં આવેલા આ ફાયર સ્ટેશનથી ભરૂચ શહેર તેમજ આસપાસના વિસ્તારોની સુરક્ષામાં વધારો થશે.આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભરૂચ નગરપાલિકાની ફાયર વિભાગની કામગીરી સમગ્ર શહેર અને જિલ્લામાં પ્રશંસનીય રહી છે.

આપાતકાલીન સ્થિતિમાં ફાયર બ્રિગેડના જવાનોએ હંમેશાં નાગરિકોના જીવ બચાવવાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. આ નવ નિર્મિત ફાયર સ્ટેશન કાર્યરત થવાથી ફાયર બ્રિગેડની કાર્યક્ષમતામાં અનેકગણો વધારો થશે.તેમણે ઉમેર્યું હતું કે, આ સુવિધા ઉપલબ્ધ થવાથી ભરૂચ શહેર ઉપરાંત ઝાડેશ્વર, ભોલાવ અને તવરા જેવા આસપાસ ના ગામોના લોકોને પણ ઝડપી અને અસરકારક ફાયર સેફ્ટી સુવિધા મળી રહેશે. હાઇરાઇઝ બિલ્ડીંગ અને ઇન્ડસ્ટ્રીઝમાં બનતા આગ કે અકસ્માતના બનાવો સમયે રાહત અને બચાવ કામગીરી માટે અદ્યતન ક્રેઇન સહિતના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

પાલિકાના ફાયર ફાઇટરો પૂરતી તાલીમ ધરાવે છે અને તેઓ અન્ય નગરપાલિકાના જવાનોને પણ તાલીમ આપવાની ક્ષમતા ધરાવે છે.ઉલ્લેખનીય છે કે, આ અદ્યતન ફાયર સ્ટેશનમાં ૮ મોટા ફાયર ટેન્ડરો માટે વિશાળ પાર્કિંગ તેમજ ૨૧ જેટલા પાલિકા કર્મચારીઓ સ્ટાફ માટે રહેણાંક ક્વોટર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








