તા.૨૧ સપ્ટે થી ૫ ઓક્ટો સુધી રાજ્યભરમાં પોલીસ વાહનોની ખાસ ટ્રાફિક તપાસ ઝુંબેશ
કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા પોલીસ વિભાગના જ અધિકારી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ઝડપાતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં લો એન્ડ ઓર્ડર આઈજીપી મકરંદ ચૌહાણે ગાંધીનગરના પ્રવેશદ્વાર પાસેથી પાટનગરમાં ફરજ બજાવતા એક પોલીસ ઈન્સ્પેક્ટરને કાળા કાચ તથા નંબર પ્લેટ વિનાની કાર સાથે ઝડપી પાડતા સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.પોલીસ અધિકારી જ જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો સામાન્ય જનતાને નિયમોનું પાલન કરાવવાનો નૈતિક અને કાયદાકીય આધાર શું રહે? આ સવાલ વચ્ચે હવે રાજ્ય પોલીસ તંત્ર દ્વારા પોતાના જ કર્મચારીઓ સામે કડક વલણ અપનાવવાનો નિર્ણય લેવાયો છે.આ ઘટનાના પગલે ૨૧ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધી સતત ૧૫ દિવસ રાજ્યભરમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના વાહનોની ખાસ ટ્રાફિક તપાસ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશ દરમિયાન પોલીસ લખેલા વાહનો, નંબર પ્લેટ વિનાના વાહનો, કાળા કાચ,બ્લેક ફિલ્મ તેમજ અન્ય ગેરકાયદેસર ફેરફારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ફાઈલ ફોટો
‘પોલીસ’ લખ્યું હોય એટલે નિયમોમાંથી છૂટ….????
લો એન્ડ ઓર્ડર આઈજીપી મકરંદ ચૌહાણ દ્વારા તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને આ અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હોવાનું જણાવાયું છે. પોલીસ સ્ટેશન, પોલીસ લાઈન તથા સરકારી કચેરીઓમાં પણ વાહનોની તપાસ હાથ ધરાશે.સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ વાહનોના કાચ પર ગેરકાયદેસર કાળા કાચ અથવા બ્લેક ફિલ્મનો ઉપયોગ પ્રતિબંધિત છે. તેથી પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓના વાહનોમાંથી બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ “પી” પોલીસ કે અન્ય અનધિકૃત લોગો દૂર કરાવવા સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત ગેરકાયદેસર રીતે બ્લેક ફિલ્મનું વેચાણ કે ફિટિંગ કરતા ગેરેજ, સર્વિસ સેન્ટર અને કાર એક્સેસરીઝની દુકાનો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.ખાસ ડ્રાઈવ પૂરી થયા બાદ પણ કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ઝડપાશે તો ટ્રાફિક કાયદા હેઠળની કાર્યવાહી ઉપરાંત ગેરવર્તણૂક અને શિસ્તભંગ બદલ શિક્ષાત્મક પગલાં ભરવાની ચેતવણી આપવામાં આવી છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








