મુંબઈ ખાતે ગુજરાત ના મુખ્યમંત્રીએ અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠક યોજી : EV, GIFT સિટી, ટેક્સટાઇલ, કોપર રિસાયક્લિંગ અને સ્ટીલ ક્ષેત્રે મોટા રોકાણ અંગે ચર્ચા…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૭ને અનુલક્ષીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ ખાતે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ જૂથોના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી. આ બેઠકો દરમિયાન ગુજરાતમાં રોકાણની નવી તકો, ઉદ્યોગોના વિસ્તરણ, આધુનિકીકરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ રોજગાર સર્જન સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.મુખ્યમંત્રીએ ઉદ્યોગ જગતને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૭માં સહભાગી બનવા અને ગુજરાતની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા આહવાન કર્યું હતું.આ પ્રસંગે મહિન્દ્રા ગ્રુપના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ગુજરાત સાથેના પોતાના જૂના સંસ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોકાણ અંગે પ્રથમવાર આ જ રૂમમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક થઈ હતી. તે સમયે તેમની દુરંદેશીથી પ્રભાવિત થયાનું જણાવતાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની વર્તમાન ચર્ચા અંગે પણ ખુશી વ્યક્ત કરી હતી. મહિન્દ્રા ગ્રુપ સાથે ગુજરાતમાં EV (ઇલેક્ટ્રિક વાહન) અને GIFT સિટી ક્ષેત્રે નવી તકો શોધવા અંગે ફળદાયી ચર્ચા થઈ હતી.

ગુજરાતની શિપિંગ પોલિસી ખૂબ જ ઉત્કૃષ્ટ : નિખિલ મર્ચન્ટ

સ્વાન કોર્પોરેશનના એમડી નિખિલ મર્ચન્ટે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કામગીરીના વિસ્તરણ અને આધુનિકીકરણની યોજનાઓ અંગે સ્વાન એનર્જી સાથે ફળદાયી ચર્ચા થઈ છે. કંપનીના વિકસતા આંતરરાષ્ટ્રીય વ્યવસાયને વધુ વેગ આપવા માટે બહેતર કનેક્ટિવિટી અને નજીકના એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત અંગે પણ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે ગુજરાતની શિપિંગ પોલિસીને ખૂબ જ ઉત્કૃષ્ટ ગણાવી હતી.

મજબૂત ટેક્સટાઇલ ઇકોસિસ્ટમથી નવા રોકાણને વેગ મળશે : દીપાલી ગોએન્કા

વેલ્સપન ઇન્ડિયા લિમિટેડના સીઈઓ દીપાલી ગોએન્કાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક કાપડ ક્ષેત્રે ગુજરાતનું નેતૃત્વ વધુ મજબૂત બને તે દિશામાં વેલ્સપન ગ્રુપ સાથે ફળદાયી ચર્ચા થઈ છે. રાજ્યની મજબૂત ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ અને ઉદ્યોગલક્ષી નીતિઓનો લાભ લઈ ગુજરાતમાં નવા રોકાણ અને વિસ્તરણની તકો અંગે વિચારણા કરવામાં આવી હતી. આ સાથે વિકાસ, નિકાસ અને રોજગારીને વધુ વેગ આપવાના મુદ્દાઓ પણ ચર્ચાયા હતા.

ડિસેમ્બરમાં કોપર રિસાયક્લિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન અંગે ચર્ચા :: સતિષ પાઈ

હિન્ડાલ્કોના એમડી સતિષ પાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઔદ્યોગિક અને ઉત્પાદન ક્ષેત્રમાં રહેલી વિપુલ તકો અંગે હિન્ડાલ્કોના નેતૃત્વ સાથે રચનાત્મક બેઠક યોજાઈ હતી. ખાસ કરીને કોપર રિસાયક્લિંગ, ઈ-વેસ્ટ મેનેજમેન્ટ અને સર્ક્યુલર ઈકોનોમી જેવા ક્ષેત્રો પર ચર્ચા થઈ હતી. ડિસેમ્બરમાં કોપર રિસાયક્લિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન અંગે પણ ચર્ચા થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. ટકાઉ ઔદ્યોગિક પદ્ધતિઓ અને ગુજરાતને અગ્રણી કોપર ડેસ્ટિનેશન તરીકે વધુ મજબૂત બનાવવાના માર્ગો અંગે પણ વિચાર વિમર્શ થયો હતો.

ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ વિકસાવવાનું વિઝન : અમિત હરલાલકા

AMNSના સીઈઓ અમિત હરલાલકાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં AMNS ઇન્ડિયાની મહત્વાકાંક્ષી રોકાણ યોજનાઓ અંગે મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક યોજાઈ હતી. કંપની જૂન સુધીમાં રૂ.૮૦,૦૦૦ કરોડનું રોકાણ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહી છે. ઉપરાંત, હજીરા ખાતે મુખ્યત્વે પુનઃપ્રાપ્ય ઊર્જા અને બેટરી સ્ટોરેજ ક્ષેત્રે વધુ રૂ.૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરવાની યોજના હોવાનું તેમણે જણાવ્યું હતું.તેમણે ગુજરાતમાં ૨૫ મિલિયન ટન ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ વિકસાવવાના કંપનીના વિઝન અંગે પણ માહિતી આપી હતી.મુંબઈ ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકો ગુજરાતને દેશના અગ્રણી રોકાણ સ્થળ તરીકે વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. ઉદ્યોગ જગત સાથેના સીધા સંવાદથી રાજ્યમાં નવા રોકાણ, ઔદ્યોગિક વિસ્તરણ, ટેક્નોલોજી, રોજગારી અને આર્થિક વિકાસને વધુ વેગ મળવાની અપેક્ષા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૭ ને સફળ બનાવવા રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ જગત સાથે સતત સંવાદ અને સહભાગિતાનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે.

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!