ભરૂચ ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી :: શ્રેષ્ઠ શિક્ષકોનું પારિતોષિકોથી સન્માન કરાયું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના તેજસ્વી અને કર્મઠ શિક્ષકોને સન્માનિત કરાયા હતા. સમારોહમાં મહાનુભાવોએ શિક્ષકોના રાષ્ટ્રનિર્માણમાં બહુમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ‘શિક્ષક દિન નિમિત્તે ભરૂચના આત્મીય સંસ્કાર હૉલ, ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબા રાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના તેજસ્વી અને કર્મઠ શિક્ષકોને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે, ઉપસ્થિત સૌ શિક્ષણગણને શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવતા જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, શિક્ષક એ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્રની સેવા કરવાનું પવિત્ર માધ્યમ છે. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવનમાંથી પ્રેરણા લઈ શિક્ષકો બાળકના વ્યક્તિત્વ અને સંસ્કારોનું ઘડતર કરી તેની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું પાયાનું કાર્ય કરે છે.ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આજના બદલાતા ટેકનોલોજીના યુગમાં પણ શિક્ષકની ભૂમિકાને અનિવાર્ય ગણાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભલે આજે ગુગલ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી ટેકનોલોજી ઉપલબ્ધ હોય, પરંતુ એક શિક્ષક જેવું માર્ગદર્શન અને સંસ્કાર સિંચન બીજું કોઈ કરી શકે તેમ નથી. વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે એક કુશળ અને સંસ્કારી યુવા પેઢી તૈયાર કરવાની જવાબદારી શિક્ષકોના શિરે છે.

આ પ્રસંગે,શિક્ષકોના રાષ્ટ્રનિર્માણમાં યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું કે, શિક્ષક એ માત્ર સાધારણ વ્યક્તિ નથી પરંતુ જીવંત રાષ્ટ્રપુરુષ છે, શિક્ષકો દ્વારા બાળકોમાં સિંચિત સંસ્કાર, રાષ્ટ્રભાવના અને પાયાનું શિક્ષણ જ ગુજરાત અને ભારતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશે. વર્ષ ૨૦૨૬ ના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાએ પ્રાથમિક વિભાગમાં પ્રાથમિક શાળ, મોરતલાવ, આ. શિ. શિક્ષક નિરવકુમાર દેવજીભાઇ પટેલ, માધ્યમિક વિભાગમાં ચંદ્રકાંત ઠાકોરભાઈ પ્રજાપતિ મદદનીશ શિક્ષક સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ડેબાર, અને મદદનીશ શિક્ષક જી.એન.એફ.સી.નર્મદા વિદ્યાલય, સંજયકુમાર મગનભાઈ સુવાગિયાને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તાલુકા કક્ષાએ પ્રાથમિક શાળા નોબારીઆ, અંકલેશ્વર નમ્રતાબેન કેશવલાલ બારૈયા અને રેલવે વિસ્તાર પ્રા.મિ.શા.જંબુસર, પ્રાથમિક શાળાના શિક્ષિકા નશીમાબેન ચુસુફ મુન્શીને પણ પારિતોષિક અને પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા.પોતાના વિષયમાં ૧૦૦ ટકા રિઝલ્ટ લાવતા, સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પરિણામ લાવતા, વ્યક્તિગત સિદ્ધિઓ ધરાવતા પ્રતિભાશાળી શિક્ષકો અને પ્રતિભાશાળી બાળકો ધરાવતી શાળાઓના શિક્ષકોને પણ આ પ્રસંગે અભિનંદન પત્ર એનાયત કરાયા હતા.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!