“સ્વચ્છતા મારી ફરજ, સ્વચ્છતા મારો અધિકાર”ના સંદેશ સાથે વિદ્યાર્થીઓએ સ્વચ્છતાનો સંકલ્પ લીધો હતો.આગામી ગાંધી જયંતિની ઉજવણીને અનુલક્ષીને શ્રીમતી એમ. ઝેડ. પટેલ સરસ્વતી વિદ્યામંદિર,ત્રાલસા ખાતે તા. ૧૨ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર દરમિયાન “સ્વચ્છતા મહા અભિયાન”ની ઉત્સાહભેર શરૂઆત કરવામાં આવી છે. અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા સાથે સ્વચ્છતા પ્રત્યે જવાબદારી અને સારી ટેવોનો વિકાસ કરવાનો છે.અભિયાન અંતર્ગત શાળાની પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ પોતાના આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો હતો.

શાળાના વર્ગખંડો તેમજ સમગ્ર પરિસરની સફાઈ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સફાઈ અભિયાનમાં જોડાઈ જૂના નકામા કાગળો તથા અન્ય કચરાનો યોગ્ય રીતે નિકાલ કર્યો હતો. સ્વચ્છતા માત્ર શાળા પૂરતી મર્યાદિત ન રહે પરંતુ સમાજ સુધી પહોંચે તેવા હેતુથી આગામી દિવસોમાં ગામમાં જાગૃતિ રેલી યોજવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ રેલી દરમિયાન ગામના મુખ્ય માર્ગો પર ફરીને “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” તથા “શેરીએ શેરીએ પડાવો સાદ, સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઓ આજ” જેવા સૂત્રો દ્વારા ગ્રામજનોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. તેમજ લોકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા તથા કચરાપેટીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવશે.

શાળા પરિવાર દ્વારા જણાવાયું હતું કે, “સ્વચ્છ તન અને સ્વચ્છ મનમાં જ ઈશ્વરનો વાસ હોય છે.” આવા અભિયાનો દ્વારા બાળકોમાં સ્વચ્છતા, શિસ્ત, જવાબદારી અને સામાજિક જાગૃતિ જેવા સંસ્કારોનું સિંચન થાય છે. સ્વચ્છ શાળા, સ્વચ્છ ગામ અને સ્વચ્છ સમાજના નિર્માણ માટે વિદ્યાર્થીઓને સક્રિય ભાગીદાર બનાવવાનો શાળા પરિવારનો મુખ્ય ઉદ્દેશ છે.








