જંબુસરના ટુંડજ ગામે પત્રકારને ફોન પર ધમકી આપનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.અપમાનજનક ભાષા અને ધમકી બાબતે કાવી પોલીસ મથકે એક ઇસમ સામે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.દેશભરમાં ઠેક ઠેકાણે પત્રકારો ને ધમકી,હુમલા તેમજ અત્યાચારના બનાવો દિન પ્રતિદિન વધી રહયા છે,લોકશાહી ના ચોથા સ્તંભ ગણાતા પત્રકારોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.ત્યારે જંબુસર તાલુકાના ટુંડજ ગામે પત્રકારને ફોન મારફતે અપમાનજનક વાતો કરી ધમકી આપવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પત્રકાર દ્વારા કાવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એક ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ટુંડજ ગામે રહેતા અને એક પાક્ષિક સમાચારપત્રમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા તૌસીફ અજિતસિંહ સિંધાને ફોન પર ધમકી આપવામાં આવી હોવાની ઘટના નોંધાઈ છે.પોલીસ ફરિયાદ મુજબ, તા. ૮ સપ્ટેમ્બરના રોજ તૌસીફ સિંધાના મિત્ર ઇમ્તિયાઝ હુસૈન સિંધાના મોબાઇલ ફોન પર ટુંડજ ગામના જ સુરેશભાઈ ડાહ્યાભાઈ વાઘેલા દ્વારા ફોન કરવામાં આવ્યો હતો.વાતચીત દરમિયાન ફોન પર તૌસીફ સિંધા અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ તેમને ધમકી આપવામાં આવી હતી.એટલું જ નહીં, ફોન પર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ કરી તૌસીફ સિંધાને મોકલવા અંગે પણ વાત કરવામાં આવી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.આ ઘટનાને પગલે તૌસીફ સિંધાએ સમગ્ર મામલે કાવી પોલીસનો સંપર્ક કરી સુરેશભાઈ ડાહ્યાભાઈ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ આપતા કાવી પોલીસે BNSSની કલમ 351(4) અને 352 હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પત્રકારને ફોન પર ધમકી આપવાને પગલે સ્થાનિક સ્તરે પણ ચર્ચાઓ તેજ બની છે.પત્રકારત્વ ક્ષેત્રે ફરજ બજાવતા વ્યક્તિને મળતી ધમકીને પગલે પોલીસ તપાસ ઝડપથી આગળ વધે તે માટે પત્રકાર આલમમાં થી માંગ બુલંદ બની છે.
ડિજિટલ યુગ ન્યૂઝ,જંબુસર








