પાદરિયા અને કડોદરા ગામ નજીક કાસમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી, GPCB એ લીધા પાણીના નમૂના,સ્થાનિકોની સુપરફોર્મ કંપનીના ડિસ્ચાર્જ પર આશંકા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના પાદરિયા અને કડોદરા ગામ નજીક કાસમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા GPCB એ પાણીના નમૂના લીધા હતા.તો બીજી તરફ સ્થાનિકોએ માછલીઓના મોત પાછળ સુપરફોર્મ (UPL-૧૨) કંપનીનું ડિસ્ચાર્જ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

વાગરાના પાદરિયા અને કડોદરા ગામ નજીક આવેલા કાસમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં વાગરા મામલતદાર તથા કડોદરા ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી દ્વારા સ્થળ પર રૂબરૂ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ GPCBના અધિકારીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ઘટના સ્થળેથી પાણીના નમૂનાઓ એકત્ર કરીને લેબોરેટરીમા પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા.

પાદરિયા ગામના અરુણભાઈ ગોહિલે જણાવ્યું હતું કે સવારે સરકારી કાસમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળતાં તાત્કાલિક મામલતદારને જાણ કરવામાં આવી હતી. મામલતદારની હાજરીમાં સ્થળ તપાસ હાથ ધરતા જ્યાં મૃત માછલીઓ જોવા મળી હતી, તે વિસ્તાર નજીક સુપરફોર્મ (પૂર્વ UPL-12) કંપનીની ગટર લાઈન સરકારી કાસમાં મળતી હોવાનું સ્થાનિકોએ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તેમને શંકા છે કે કંપનીમાંથી છોડવામાં આવતા સંભવિત કેમિકલયુક્ત પાણીના કારણે માછલીઓના મૃત્યુ થયા હોઈ શકે છે. સ્થાનિકોનો દાવો છે કે અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી અને તે સમયે GPCB દ્વારા કંપનીને નોટિસ આપવામાં આવી હતી. વધુમાં તેઓનો એવો પણ દાવો છે કે અગાઉ GPCBની તપાસ દરમિયાન કંપનીના ગટર વિસ્તારમાંથી પણ મૃત માછલીઓ મળી આવી હતી.સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઘટનાની જાણ કંપનીના અધિકારી મીનાકરાજ ને પણ કરવામાં આવી હતી, પરંતુ તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે કંપનીના અધિકારીઓ દ્વારા “તમારે જે કરવું હોય તે કરો” એવો જવાબ આપવામાં આવ્યો હતો.

લોકોએ સરકાર સમક્ષ મૃત માછલીઓનું પોસ્ટમોર્ટમ પેથોલોજિકલ પરીક્ષણ, માછલીઓના Tissue અને Visceraના નમૂનાઓનું પરીક્ષણ તથા GPCB દ્વારા લેવામાં આવેલા પાણીના નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી છે.વધુમાં સંબંધિત કંપની અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા અન્ય લાગુ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!