વાગરા ના વિલાયત GIDC ની આરતી કંપનીમાં શોર્ટ સર્કિટ થતા સર્જાયેલ દુર્ઘટનામાં બે કામદારો દાઝી જતા સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.વાગરા તાલુકાની વિલાયત GIDC સ્થિત આરતી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં રવિવારે સાંજે બનેલી ગંભીર દુર્ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. કંપનીમાં ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી.જેમાં બે કામદારો ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.પોલીસ સૂત્રો થકી મળતી માહિતી અનુસાર મૂળ ઝારખંડનો ૨૪ વર્ષીય ગોવિંદયાસી શિવલાલયાસી આરતી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરે છે.તે પોતાના સાથી કેલોદ ગામના દેવેન્દ્રસિંહ હરેન્દ્રસિંહ રાજ સાથે કંપનીના સેકશન નંબર-૩માં આવેલા ઇલેક્ટ્રિકલ પેનલમાં કેબલ નાંખવાની કામગીરી કરી રહ્યા હતા.દરમિયાન દેવેન્દ્રસિંહ પેનલ ઉપર રાખવામાં આવેલા લાકડાના પાટિયા પર ચડીને કામ કરી રહ્યા હતા.ત્યારે અચાનક પાટિયુ તૂટી જતા ઇલેક્ટ્રિકલ કેબલ ખેંચાઈ જતા પેનલમાં જોરદાર શોર્ટ સર્કિટ સર્જાઇ હતી.શોર્ટ સર્કિટને પગલે એકાએક આગ ભભૂકી ઉઠતા ઉપર રહેલા કેમિકલ પાવડરમાં પણ આગ ફેલાઈ ગઈ હતી.આગની ચપેટમાં આવતા ગોવિંદાચાર્ય અને દેવેન્દ્રસિંહ બંને ગંભીર રીતે દાઝી ગયા હતા.આ અંગે વાગરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

છાશવારે થતા અકસ્માતોએ ઔદ્યોગિક સલામતી સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા
ઔદ્યોગિક એકમોમાં છાશવારે થતા અકસ્માતોએ ઔદ્યોગિક સલામતી સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.થોડા જ દિવસો અગાઉ સાયખા GIDC સ્થિત નીક્સન ફાર્માસ્યુટીકલ કંપનીમાં લિફ્ટમાંથી પટકાતા ૫૪ વર્ષીય શ્રમિકનું કરુણ મોત નીપજ્યુ હતુ.તે ઘટનાની હજી શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ વિલાયત GIDCની આરતી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગતા બે કામદારો ગંભીર રીતે દાઝવાની ઘટના સામે આવી છે.એક પછી એક બની રહેલી ગંભીર દુર્ઘટનાઓ ઔદ્યોગિક એકમોમાં સુરક્ષાના દાવાઓની પોલ ખોલી ઉઘાડી પાડી દીધી છે.

નોંધપાત્ર છે કે જો અગાઉની ઘટનામાં તંત્ર દ્વારા ખરેખર કડક કાર્યવાહી, અસરકારક તપાસ અને તમામ ઉદ્યોગોમાં સુરક્ષા ધોરણોનું સઘન પાલન કરાવવામાં આવ્યુ હોત,તો કદાચ આવી બીજી ઘટના ટાળી શકાઈ હોત. માત્ર નોટિસો આપીને કે કાગળ પર ઘોડા દોડાવીને તંત્રની જવાબદારી પૂરી થઈ જતી નથી.જ્યારે શ્રમિકોના જીવ જોખમમાં મુકાય છે, ત્યારે જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી, જવાબદારી નક્કી કરવી અને સુરક્ષા નિયમોના ભંગ બદલ દંડાત્મક પગલા ભરવા અત્યંત જરૂરી બની જાય છે.શ્રમિકોના જીવની સુરક્ષા સંદર્ભે માત્ર નાટકીય કાર્યવાહી નહીં, પરંતુ નક્કર અને પરિણામલક્ષી પગલાં ભરવમાં આવે તેવી માંગ ઔદ્યોગિક વિસ્તારોમાંથી બુલંદ થવા પામી છે છે.
અમજદ સૈયદ,વાગરા









