જંબુસર પંથકમાં ગેરકાયદેસર બેફામ ખનીજ ખોદકામ સામે તંત્રની લાલ આંખ,એક જેસીબી મશીન અને બે ટ્રક કબ્જે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જંબુસર પંથકમાં ગેરકાયદેસર બેફામ ખનીજ ખોદકામ સામે તંત્રએ લાલ આંખ કરી છે.તંત્રએ ફરી એકવાર મોટી કાર્યવાહી હાથ ધરતા ગજેરા અને ડાભા રોડ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખોદકામના કાળા કારોબાર પર વહીવટી તંત્ર અને પોલીસની સંયુક્ત ટીમે સપાટો બોલાવતા ભૂ-માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.આ અંગે પ્રાપ્ય વિગતો અનુસાર,ગજેરા અને ડાભા રોડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લાલ માટી અને ખનીજ સંપત્તિનું મોટા પાયે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.

આ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે તંત્ર દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહીમાં અંદાજિત ૫૫ થી ૬૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.નોંધનીય છે કે માત્ર બે દિવસ અગાઉ જ ખાણ-ખનીજ વિભાગ દ્વારા આ જ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ ફરી એકવાર ગેરકાયદેસર ખોદકામ ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે. શું અગાઉની કાર્યવાહી બાદ પણ ભૂ-માફિયાઓને તંત્ર નો ડર રહ્યો નથી. કે પછી તંત્રના છુપા આશીર્વાદ થી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવી રહ્યો છે…??? તેવા અનેક સવાલો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.દરોડા દરમિયાન એક JCB મશીન અને બે ટ્રકો કબજે લેવામાં આવ્યા હતા.તમામ વાહનોને જપ્ત કરીને વેડચ પોલીસ મથકે ખસેડવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને ગેરકાયદેસર ખોદકામ પાછળ સંકળાયેલા શખ્સો સુધી પહોંચવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે જંબુસર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર માટી ખોદકામ, ખનીજ ચોરી અને ભૂ-માફિયાઓની પ્રવૃત્તિઓ સતત ચર્ચામાં રહી છે.

અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી હોવા છતાં ગેરકાયદેસર ખોદકામના બનાવો અટકવાનું નામ લેતા નથી. ત્યારે તંત્રની આ કાર્યવાહી બાદ હવે સવાલ એ છે કે શું ભૂ-માફિયાઓ સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી થશે કે પછી થોડા દિવસો બાદ ફરીથી ગેરકાયદેસર ખોદકામ ફરી શરૂ થઈ જશે?હાલ સમગ્ર પંથકની મીટ તપાસના આગામી તબક્કા અને તંત્રની આગળની કાર્યવાહી પર મંડાઈ છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,જંબુસર 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!