જંબુસર તાલુકાના ડાભા-ગજેરા રોડ પર આજે એક હૃદયદ્રાવક અને ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક મારૂતિ વાન અને ટ્રેક્ટર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ગંભીર ઈજાઓ થવાના કારણે સાબીર મલેક નામના આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માત એટલો ભીષણ હતો કે, વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં અન્ય ૫ થી ૬ વ્યક્તિઓને પણ નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી. ચીસાચીસ અને બૂમાબૂમ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાબડતોબ સારવાર અર્થે નજીકની વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ગોઝારા અકસ્માતમાં સાબીર મલેકનું અકાળે અવસાન થતાં જ મલેક પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. સમગ્ર પરિવાર અને પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
અકસ્માતના પગલે રોડ પર લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં, જેના કારણે થોડીવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરાવી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, જંબુસર
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








