જંબુસરમાં ખાખીનો ખૌફ, ગૌહત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓનું ધોળા દિવસે સરઘસ, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના જંબુસરમાં ગૌવંશની કતલ કરી કાયદાના લીરેલીરા ઉડાવનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. જંબુસરના ખારાકુવા વિસ્તારમાં ગૌહત્યાનો કાળો કારોબાર ચાલતો હોવાની સચોટ બાતમી મળતા જ પોલીસે દરોડો પાડી આશરે ૧૩૫ કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે, ત્યારે પોલીસે પણ ગુનેગારોમાં કાયદાનો ભય જળવાય તે હેતુથી પકડાયેલા આરોપીઓને ખુલ્લા પગે બજારમાં ફેરવીને કડક કાર્યવાહીનો સંકેત આપ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જંબુસર પોલીસની ટીમે જ્યારે ખારાકુવા વિસ્તારમાં દરોડો પાડ્યો ત્યારે ત્યાંનું દ્રશ્ય ચોંકાવનારું હતું. ગૌવંશની નિર્મમ કતલ કરીને તેનું માંસ વેચવાની પેરવી કરવામાં આવી રહી હતી. પોલીસે સ્થળ પરથી ૧૩૫ કિલો ગૌમાંસના જથ્થા સાથે કતલ કરવા માટે વપરાતા તીક્ષ્ણ હથિયારો અને અન્ય સાધન સામગ્રી પણ કબજે કરી છે. આ મામલે પોલીસે તુરંત કાર્યવાહી કરતા ગૌહત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ પુરુષો અને એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં મહમદ સફી ઇસ્માઇલ કુરેશી, મહમદ હનીફ ઇસ્માઇલ કુરેશી, જાબીર કુરેશી અને ખાતૂન ઉર્ફે ખેરુન નામની મહિલાનો સમાવેશ થાય છે. આ ગુનેગારોને પકડ્યા બાદ જંબુસર પોલીસે તેમને ઘટનાસ્થળ એટલે કે ખારાકુવા વિસ્તાર અને આસપાસના મુખ્ય બજારમાં ખુલ્લા પગે ફેરવીને ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ધોળા દિવસે આરોપીઓનું સરઘસ નીકળતા સ્થાનિક લોકોમાં પણ ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. પોલીસે આ પ્રક્રિયા દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાના ભંગ કરનારાઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. આ ગુના સંદર્ભે જંબુસર પોલીસે નવીન કાયદા મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમો તેમજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય નામો પણ બહાર આવે તેવી શક્યતા છે. હાલમાં આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક વોન્ટેડ આરોપી પોલીસની પકડથી દૂર છે, જેને દબોચી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,જંબુસર 

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!