ભરૂચ શહેરના નારાયણનગર-૨ વિસ્તારમાં એક અબોલ જીવ માટે ફાયર વિભાગ અને સેવાભાવી સંસ્થા દેવદૂત બનીને આવી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક રહેણાંક વિસ્તારમાં આવેલા અંદાજે સાતથી આઠ ફૂટ ઊંડા ખાડામાં અચાનક એક શ્વાન ખાબક્યું હતું. ખાડો ઊંડો હોવાને કારણે શ્વાન બહાર નીકળવા અસમર્થ હતું અને સતત તરફડી રહ્યું હતું, જેને જોઈ સ્થાનિક રહીશોમાં ચિંતાના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ જાગૃત નાગરિક મેહુલ ભાવસારે ત્વરિત પગલાં ભરી નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના હિરેન શાહને આ અંગે માહિતગાર કર્યા હતા. અબોલ જીવની પીડા સમજીને હિરેન શાહે વિલંબ કર્યા વગર ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગનો સંપર્ક સાધ્યો હતો. પાલિકાની ફાયર ટીમ અને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.

અંદાજીત આઠ ફૂટ ઊંડા સાંકડા ખાડામાં ઉતરીને શ્વાનને સુરક્ષિત રીતે બહાર કાઢવું પડકારજનક હતું, પરંતુ ટેકનિકલ સાધનોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. જોકે અંતે લાંબી જહેમત અને કુશળતા બાદ શ્વાનને સહેજ પણ ઈજા પહોંચાડ્યા વગર હેમખેમ બહાર કાઢવામાં આવ્યું હતું. જ્યારે શ્વાન સુરક્ષિત બહાર આવ્યું, ત્યારે ત્યાં હાજર સ્થાનિકોના જીવમાં જીવ આવ્યો હતો. અબોલ જીવ પ્રત્યેની આ સંવેદના અને ફાયર વિભાગની ત્વરિત કામગીરીને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે. ભરૂચ પાલિકાના ફાયર જવાનો અને સેવાભાવી સંસ્થાના આ સમન્વયને કારણે એક અબોલ જીવને નવું જીવન મળ્યું છે, જેની સોશિયલ મીડિયામાં પણ ઘણી પ્રશંસા થઈ રહી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,અંકલેશ્વર









