દહેજના શક્તિનગરમાં રસ્તા પર પાણીની પાઈપ હટાવવા બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, સામસામે ફરિયાદ, પોલીસે વધુ તપાસ હાથ ધરી..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના દહેજ ગામે આવેલા શક્તિનગર સોસાયટીના વાડી ફળિયામાં ગત ૭ માર્ચ, ૨૦૨૬ના રોજ સામાન્ય ગણી શકાય તેવી પાણીની પાઈપ હટાવવા જેવી બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે બંને પક્ષો દ્વારા દહેજ પોલીસ મથકે સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી છે.ફરિયાદી જયંતીભાઈ દલપતભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, ૭ માર્ચના રોજ સાંજે આશરે ૬:૫૦ વાગ્યે તેમની પત્ની લક્ષ્મીબેન ઘરની નીચે કપડાં ધોઈ રહ્યા હતા. તે સમયે પાડોશમાં રહેતા સતીષભાઈ બકોરભાઈ પટેલ પોતાની એક્ટિવા લઈને ત્યાંથી પસાર થતા હતા અને રસ્તામાં રહેલી પાણીની પાઈપ હટાવવા બાબતે બોલાચાલી કરી હતી. આ વિવાદ વધતા સતીષભાઈએ ઉશ્કેરાઈને લક્ષ્મીબેનને ગાલ પર તમાચો મારી દીધો હતો. ત્યારબાદ સતીષભાઈ તેમની પત્ની હીનાબેન અને શીતલબેન સાથે પરત આવ્યા હતા અને જયંતીભાઈ તથા લક્ષ્મીબેનને ઢીંકાપાટુનો માર માર્યો હતો. આ હુમલામાં સતીષભાઈએ લાકડી વડે હુમલો કરતા જયંતીભાઈને ડાબા હાથની ટચલી આંગળી પર અને પગે ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત દંપતીને ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સામા પક્ષે સતીષભાઈ બકોરભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ જ્યારે પોતાની એક્ટિવા લઈને નીકળ્યા ત્યારે લક્ષ્મીબેન અને તેમનો દીકરો દેવેન્દ્ર રસ્તા પર આડી પાઈપ રાખી કપડાં અને ગાડી ધોતા હતા. સતીષભાઈએ પાઈપ હટાવવાનું કહેતા દેવેન્દ્ર ઉશ્કેરાઈ ગયો હતો અને લક્ષ્મીબેને સતીષભાઈના બરડા પર તમાચો માર્યો હતો. આ ઝઘડામાં જયંતીભાઈએ દુકાનમાંથી આવી સતીષભાઈ સાથે ઝપાઝપી કરી હતી અને લાકડાના સપાટા વડે હુમલો કર્યો હતો, જેના કારણે સતીષભાઈને જમણા હાથની આંગળી અને ડાબા હાથની કોણીએ ઇજા થઈ હતી. સતીષભાઈએ પોતાની ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે બંને પક્ષો વચ્ચે અગાઉ સમાધાનના પ્રયાસો ચાલતા હોવાથી ફરિયાદમાં વિલંબ થયો હતો. દહેજ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨) અને ૫૪ તેમજ જી.પી. એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર ગોપાલસિંહ વજેસિંહ વણજારા કરી રહ્યા છે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!