વાગરામાં નશાખોર બાઇક સવાર અને દહેજમાં જોખમી ટેમ્પો ચાલક સામે કડક કાર્યવાહી, રસ્તા પર જોખમ ઉભું કરતા તત્વો સામે પોલીસ એક્શન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના વાગરા અને દહેજ પોલીસ મથક વિસ્તારમાં ગત ૯ માર્ચ, ૨૦૨૬ના રોજ પોલીસે ટ્રાફિક અને સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરતા બે અલગ-અલગ વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. જેમાં એક સ્થળે નશાની હાલતમાં વાંકીચૂંકી મોટરસાયકલ હંકારતો યુવક ઝડપાયો હતો, જ્યારે અન્ય સ્થળે જોખમી રીતે રોંગ સાઈડમાં ટેમ્પો ચલાવતા ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

વાગરા પોલીસ મથકની વિગતો મુજબ, ૯ માર્ચના રોજ સાંજના સમયે પોલીસ ટીમ વાગરા દવાખાના ચોકડી પાસે વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન વાગરા બજાર તરફથી એક મોટરસાયકલ GJ-16-EF-2905 સવાર રોડ પર વાંકીચૂંકી બાઇક હંકારી આવતા પોલીસે તેને રોક્યો હતો. તપાસ કરતા ચાલક સંજયભાઈ કલીદાસ રાઠોડ રહે. પિપલીયા, વાગરા જે નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. તેની પાસે દારૂ પીવાનું પાસ-પરમિટ કે ડ્રાઇવિંગ લાયસન્સ પણ મળી આવ્યું ન હતું. પોલીસે ૪૦,૦૦૦ની કિંમતની બાઇક કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

બીજી ઘટના દહેજ પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. દહેજ પોલીસની ટીમ સેઝ-૧ ચોકડી પાસે ચેકિંગમાં હતી ત્યારે ભરૂચથી દહેજ તરફ જવાના રોડ પર એક મારૂતિ સુઝુકી સુપર કેરી ટેમ્પો નંબર GJ-16-AW-3213 જે રોંગ સાઈડમાં પુરઝડપે અને ગફલતભરી રીતે આવતો જણાયો હતો. પોલીસે ટેમ્પો રોકી તપાસ કરતા ચાલકે પોતાનું નામ ઉસમાનગની ગુલામભાઇ બાદશાહ રહે. આમોદ હોવાનું જણાવ્યું હતું. રાહદારીઓ અને પોતાની જિંદગી જોખમાય તે રીતે જોખમી ડ્રાઇવિંગ કરવા બદલ પોલીસે તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ, પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવતા તત્વો સામે લાલ આંખ કરી છે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!