વાગરા: દહેજની દરિયામાં મોતના મુખમાં ફસાયેલી બે ડોલ્ફિન માટે રોઝાદાર ખલાસી દેવદૂત બન્યા! ડોલ્ફિન ફરી લહેરોમાં વિહરતી થઈ..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા વાગરા તાલુકાના દહેજના દરિયાકાંઠે આજે કુદરત અને માનવીય સંવેદનાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આજરોજ સવારે જ્યારે દરિયામાં ઓટને કારણે પાણી ઓસરવા લાગ્યું, ત્યારે દહેજની એક નાની ખાડીના છીછરા પાણી અને કાદવમાં બે ડોલ્ફિન કમનસીબે ફસાઈ ગઈ હતી. કુદરતી ક્રમને લીધે પાણી ઘટી જતાં આ મહાકાય જળચર જીવો માટે ફરી ઊંડા દરિયામાં જવું અશક્ય બની ગયું હતું અને તડકા તથા શ્વાસ લેવાની તકલીફને કારણે તેમનું જીવન જોખમમાં મુકાયું હતું. આ કપરી પરિસ્થિતિ પર બિરલા કોપર જેટ્ટી પાસે કાર્યરત મોટર લોન્ચ અલ હૈદરીના સતર્ક કર્મચારીઓની નજર પડી હતી. ડોલ્ફિનને તરફડતી જોઈને બોટના ખલાસીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

આ રેસ્ક્યૂ ઓપરેશનમાં સૌથી કપરી ભૂમિકા શબ્બીરભાઈ સોઢાએ ભજવી હતી. પવિત્ર રમઝાન માસના કઠિન રોજા હોવા છતાં અશક્તિની પરવા કર્યા વગર શબ્બીરભાઈ ઘૂંટણસમા કાદવ ખૂંદીને ડોલ્ફિન સુધી પહોંચ્યા હતા. તેમણે અત્યંત સાવચેતીપૂર્વક બંને ડોલ્ફિનને નરમ દોરડાથી બાંધી અને અન્ય સાથીદારોની મદદથી ખેંચીને સલામત રીતે દરિયાના ઊંડા પાણીમાં વહેતી કરી હતી. જેવી બંને ડોલ્ફિન મુક્ત થઈને ફરી લહેરોમાં વિહરતી થઈ, ત્યારે કિનારે હાજર તમામ શ્રમિકો અને સુરક્ષાકર્મીઓના ચહેરા પર હર્ષની લાગણી છવાઈ ગઈ હતી.

દહેજ જેવા વ્યસ્ત પોર્ટ વિસ્તારમાં પણ દરિયાઈ જીવો અને પર્યાવરણ પ્રત્યે સ્થાનિક કર્મચારીઓની આ પ્રકારની સજાગતા અને નિસ્વાર્થ સેવાએ ખરા અર્થમાં માનવતા મહેકાવી છે. આ રેસ્ક્યૂ ઓપરેશનની સોશિયલ મીડિયામાં પણ ભારે પ્રશંસા થઈ રહી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા– દહેજ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!