આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થવા પામ્યો છે.વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આવકાર્યા હતા. મોં મીઠું કરાવી જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ શુભેચ્છાઓ પાઠવી હતી.આણંદ હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કલેકટર એ પ્રોત્સાહિત કર્યા હતા.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો હતો.બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ આણંદ હાઇસ્કુલ ખાતે ધોરણ ૧૦ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી, ગુલાબનું ફૂલ આપીને મોઢું મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રો ખાતે આવકારી પ્રવેશ આપ્યો હતો.તેમણે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના ભય વિના શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ પરીક્ષાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે પીવાનું શુદ્ધ પાણી અને બેઠક વ્યવસ્થાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડો. અર્ચનાબેન પ્રજાપતિ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હેમંતભાઈ કાછિયા પટેલ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ દિવસે ધોરણ ૧૦ ગુજરાતી વિષયના પેપરમાં ૪૮૯ વિદ્યાર્થીઓ ગેરહાજર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આણંદ જિલ્લામાં આજથી બોર્ડ પરીક્ષાનો જિલ્લામાં શાતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે.આણંદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતેનાં કંટ્રોલ રૂમ તરફથી મળતી માહિતી મુજબ પ્રથમ દિવસે સવારે ધોરણ ૧૦ ના કુલ ૨૯૬૦૧ વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતી વિષયમાં ૪૭૮ વિદ્યાર્થીઓ અને અંગ્રેજીમાં ૧૧ વિદ્યાર્થીઓ મળીને કુલ ૪૮૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં.વધુમાં આણંદ જિલ્લામાં આજની પહેલા દિવસની પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતી કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી.
ડિજિટલ યુગ ન્યૂઝ,આણંદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









