વાગરા: તહેવારોમાં ઘરફોડ અને બાઈક ચોરીથી બચવા પોલીસે જાહેર કરી માર્ગદર્શિકા, જનતાને સતર્ક રહેવા અપીલ..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આગામી દિવસોમાં હોળી-ધૂળેટી અને ત્યારબાદ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર રમજાન ઈદ આવી રહ્યો છે, ત્યારે તહેવારોની આ મોસમમાં ચોરીના બનાવો ન બને તે માટે વાગરા પોલીસ એક્શન મોડમાં આવી છે. વાગરા પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતાના જોગ એક મહત્વપૂર્ણ સંદેશ જારી કરીને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તહેવારો દરમિયાન વાગરા વિસ્તારમાં કામ અર્થે રહેતા બહારના લોકો પોતાના વતન જતી વખતે ઘરફોડ ચોરી કે બાઈક ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી નાસી છૂટતા હોય છે, જેનાથી સ્થાનિક રહીશોએ સાવધ રહેવું અનિવાર્ય છે. વાગરા પોલીસે જનતાને માર્ગદર્શન આપતા જણાવ્યું છે કે, જો તમે તહેવાર નિમિત્તે ઘર બંધ કરીને બહારગામ જવાના હોય, તો ઘરમાં કિંમતી દાગીના કે રોકડ રકમ રાખવાનું ટાળવું જોઈએ. સલામતીના ભાગરૂપે કિંમતી ચીજવસ્તુઓ તમારી ગેરહાજરીમાં પડોશમાં વિશ્વાસુ વ્યક્તિને સોંપવી અથવા સુરક્ષિત સ્થળે રાખવી હિતાવહ છે.

આ ઉપરાંત, પોતાની મોટરસાઈકલ કે અન્ય વાહનોને પણ યોગ્ય લોક મારી સુરક્ષિત જગ્યાએ રાખવા અને આસપાસની ગતિવિધિઓ પર નજર રાખવા સૂચના અપાઈ છે. પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે, જો કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ જણાય તો તાત્કાલિક વાગરા પોલીસ સ્ટેશનના નંબર 02641-225233 અથવા 112 નંબર પર સંપર્ક કરવા અપીલ કરાઈ છે. તહેવારોની ખુશીઓમાં કોઈ વિઘ્ન ન આવે અને નાગરિકોની મિલકત સુરક્ષિત રહે તે હેતુથી વાગરા પોલીસે આ જાહેર જનતાને સતર્ક રહેવા ખાસ વિનંતી કરી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!