ગળતેશ્વર તાલુકાની શ્રેયસ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી.સી.પી. પટેલ હાઈસ્કૂલ તથા તન્મય પ્રાયમરી સ્કૂલ સેવાલીયા દ્વારા “ધુરંધર” નામે ચોથો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો.શાળાના પ્રમુખ ડી.સી. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ નયનાબેન વી પટેલ તથા, મહામંત્રી રીટાબેન ઓઝા, ટ્રસ્ટી નવીનભાઈ પટેલ, પાર્થભાઈ પટેલ, રોનકભાઈ પટેલ તથા ગામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવમય બનાવ્યો હતો.કાર્યક્રમની શરૂઆતમાં આચાર્ય જયવીરસિંહ મહિડાએ મહેમાનોના સ્વાગત સાથે કરી હતી.તેઓએ પ્રેરક વક્તવ્યમાં જણાવ્યું હતું કે પ્રમુખ ડી.સી. પટેલની સંકલ્પશક્તિના પરિણામે શાળા સતત પ્રગતિના નવા શિખરો સર કરી રહી છે.

ગત વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ નું પરિણામ ગળતેશ્વર તાલુકામાં પ્રથમ ક્રમે રહ્યું હતું. રમતગમત, સાહિત્ય અને વિવિધ સહપાઠ્ય પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ જિલ્લા અને રાજ્ય કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે.આ પ્રસંગે શાળાના અંગ્રેજી માધ્યમના ઇનચાર્જ આચાર્ય પ્રફિતા એસ. બાબુ દ્વારા વાર્ષિક શાળા અહેવાલ વાચવામાં આવ્યો હતો, જેમાં શાળાની શૈક્ષણિક સિદ્ધિઓ, સહપાઠ્ય પ્રવૃત્તિઓ, નેતૃત્વ વિકાસ અને ભવિષ્યની આયોજનયાત્રાનું સુંદર અને વ્યવસ્થિત પ્રતિબિંબ રજૂ કરાયું હતું.

શાળામાં ઘોડેસવારી, રાયફલ શૂટિંગ, ઘરાટે ડાન્સ જેવી અનોખી પ્રવૃત્તિઓ સાથે સંસ્કારસભર શિક્ષણ આપવામાં આવે છે. નેતૃત્વ ગુણોના વિકાસ માટે શાળા પંચાયત ચૂંટણી, રમતોત્સવ અને વિવિધ રાષ્ટ્રીય દિવસોની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓને જવાબદારી અને લોકતંત્રના મૂલ્યો શીખવવામાં આવે છે.સાંસ્કૃતિક કાર્યક્રમ “ધુરંધર”નું મુખ્ય આકર્ષણ “હનુમાન ચાલીસા”, “દુર્ગા એક્ટ” અને “ઓપરેશન સિંદૂર” જેવી પ્રસ્તુતિઓએ દર્શકોને ભાવવિભોર કરી દીધા હતા. નારી સશક્તિકરણ અને મોબાઇલના ગેરફાયદાઓ પર આધારિત નાટકોએ સમાજને સકારાત્મક સંદેશ આપ્યો હતો.ઉલ્લેખનીય છે કે ઓડિયન્સ દ્વારા પૂછાયેલા સરવાળા અને બાદબાકી જેવા ગણિતના પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓએ માત્ર એક સેકન્ડના વિરામ વિના મૌખિક રીતે આપી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિનિયર શિક્ષક બી.એસ. પ્રજાપતિએ કર્યું હતું, જ્યારે આભારવિધિ આર.ડી. ભોઈએ કરી હતી.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









