ભરૂચના ઝાડેશ્વરમાં યોજાયેલ વિરાટ હિન્દુ સંમેલનમા રાષ્ટ્ર સામેના પડકારોને સંગઠિત હિન્દુ શક્તિ દ્વારા હરાવવાનો સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો.ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી ૧૧૦ સોસાયટીઓની બનેલી ‘અરુણદય વસ્તી’ દ્વારા રવિવાર, તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ એન.કે. પેટ્રોલ પંપ પાછળના મેદાનમાં એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં અંદાજિત ૨૪૦૦ થી વધુ હિન્દુ ભાઈ-બહેનો અને બાળકોએ ભાગ લીધો હતો.નર્મદા સંસ્કૃત પાઠશાળાના ભૂદેવો દ્વારા કરવામાં આવેલા વૈદિક મંત્રોચ્ચારથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો, સંમેલન દરમિયાન સામાજિક જાગૃતિના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં યોગ, ભરતનાટ્યમ, શિવ તાંડવ સ્તોત્ર, તલવારબાજી અને ભક્તિ-દેશભક્તિના ગીતોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.આ તકે, પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સ્વયંસેવકો, સફાઈ કર્મીઓ અને વસ્તીના તેજસ્વી બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા,પર્યાવરણ રક્ષણ અને નાગરિક કર્તવ્ય પર ભાર મૂક્યો હતો. ‘સ્વ’ ના જાગરણ થકી જ સમર્થ ભારતનું નિર્માણ શક્ય છે તેવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્ર સામેના વર્તમાન અને ભવિષ્યના પડકારોને સંગઠિત હિન્દુ શક્તિ દ્વારા પરાસ્ત કરવાનો સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો.વધુમાં વિશેષ આયોજન રૂપે સંમેલનના આગલા દિવસે યુવાનો દ્વારા બાઈક રેલી અને કાર્યક્રમના દિવસે વહેલી સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં નરેશભાઈ પટેલ સહિતના આગેવાનોનો આર્થિક સહયોગ સાંપડ્યો હતો.અરુણદય વસ્તી વિરાટ હિન્દુ સંમેલન સમિતિના સદસ્યોની જહેમતથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો, જેણે આગામી સમયમાં સમાજમાં રચનાત્મક કાર્યો કરવા માટે મજબૂત પાયો નાખ્યો છે.કાર્યક્રમના અંતે ભારત માતાની આરતી, વંદે માતરમ્ અને રાષ્ટ્રગીતના ગાન બાદ હજારો ભાવિકોએ સમાનતાના ભાવ સાથે સમૂહમાં ‘ભોજન પ્રસાદ’ લીધો હતો.આ પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અનિર્દેશ સ્વામી, બ્રહ્માકુમારી સંસ્થાના આગેવાનો, યોગબોર્ડના કાર્યકર્તાઓ તેમજ સેવા યજ્ઞ સમિતિના સોનલબેન ત્રિવેદી જેવા સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









