વાગરા તાલુકા પંચાયતનું વહીવટ ખાડે ગયું હોય તેમ અરજદારો ને કચેરીના ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.કચેરીમાં લોકોના અનેક કામો અધિકારીઓ ની ફરજ પ્રત્યેની નિષ્ક્રિયતા ને પગલે ટલ્લે ચડી ગયા હોવાની માહિતી મળી રહી છે.વાગરા તાલુકા પંચાયતને ગ્રહણ લાગવાની ફરિયાદો વચ્ચે નેતાજીના હારતોરામાં સરકારી બાબુઓ મસ્ત રહેતા કચેરીના ઉંબરે આવીને કામો પૂર્ણ ન થતા સામાન્ય જનતા ત્રસ્ત બની હોવાની મોટાપાયે બુમો ઉઠવા પામી છે.

સાહેબો જાણે કે નેતાભક્તિમાં તલ્લીન હોય તેમ નેતાના કાર્યક્રમો મા નેતાજીની જી હુજુરીમાં દોડતા રહેતા હોવાથી જનતાના કામો ખોરંભે ચઢી જવા પામ્યા હતા.તાલુકા પંચાયત ઓફીસમાં મધ્યાહન કાળે બપોરે ૧૨ વાગ્યે પણ કાગડા ઉડ્તા નજરે પડ્યા હતા.જનતાના કામોમાં બ્રેક લાગતા લોકો પંચાયત કચેરીના કર્મચારીઓ વિરુદ્ધ રોષ ઠાલવી રહ્યા છે. કર્મચારીઓ નેતાના પ્રોગ્રામમાં અચૂક હાજરી પુરાવતા હોવાથી ટેબલ પર કામનું ભારણ વધી રહ્યું છે. સામાન્ય પ્રજા ના કામો ખોરંભે ચઢતા વાગરા તાલુકા પંચાયતની કાર્યપ્રણાલી પર આજે ફરી એકવાર સામાન્ય નાગરિકોએ ફિટકારની વર્ષા કરી હતી. લોકશાહીમાં જનતા જનાર્દન ગણાય છે, તે જ જનતા આજે સરકારી બાબુઓની નેતાભક્તિમા વ્યસ્તતા ને કારણે કચેરીના ઉંબરે આંટાફેરા મારતી જોવા મળી હતી.

રહાડ ગામે યોજાયેલા ગ્રામ પંચાયતના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરી હોવાથી તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓમાં જાણે પોતાનું મૂળ કામ ભૂલી જવાની હોડ જામી હતી. આખેઆખી કચેરી સરકારીના બાબુઓ નેતાજીની આગતા સ્વાગતામાં જોતરાઈ ગયા હતા, જેને પગલે સામાન્ય જનતાના કામો રઝળી પડયા હતા. બપોરે ૧૨ વાગ્યે કચેરીનો ધમધમતો સમય હોવા છતાં વાગરા તાલુકા પંચાયતની કચેરીમાં ખાલી ખુરશીઓ અને કર્મચારીઓ વિના કોઈ ભૂતિયા બંગલા જેવી ભાસતી હતી. છેવાડાના ગામડાઓમાંથી મજૂરી છોડીને, મોંઘા ભાડાં ખર્ચીને પોતાના દાખલા, યોજનાકીય ફોર્મ કે અન્ય જરૂરી કામો અર્થે અરજદારો કલાકો સુધી સાહેબોના ઇન્તેજારમાં બેસી રહ્યા હતા.હદ તો ત્યાં થાય છે કે કચેરીમાં કોઈ જવાબ આપનાર પણ ઉપસ્થિત ન હતું. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, જો આખું તંત્ર નેતાઓના પ્રોટોકોલમાં જ વ્યસ્ત હોય,તો જનતા માટે કચેરીના દરવાજા ખોલવાનો અર્થ જ શું છે?

સાહેબોને પ્રજા કરતા રાજકીય નેતાઓ જી હુજુરી વધારે વહાલી લાગતી હોય તેમ રહાડ ખાતેના કાર્યક્રમમાં અધિકારીઓ એવી રીતે હાજર રહ્યા હતા કે જાણે તાલુકા પંચાયતનું બધું જ કામ પૂર્ણ થઈ ગયું હોય. એકબાજુ સરકાર ગામડે પ્રશાસનના બણગા ફૂંકે છે, ત્યારે બીજી બાજુ વાગરાના અધિકારીઓ કચેરી છોડીને નેતાઓની આસપાસ ચક્કર કાપવામાં જ પોતાની ધન્યતા અનુભવે છે. કેટલાક અરજદારોએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે, અમે સવારના ભૂખ્યા-તરસ્યા અહીંયા બેઠા છીએ, અને સાહેબો ત્યાં નેતાઓને હારતોરા કરવામાં વ્યસ્ત છે. શું અમારા કામો માટે સરકારી બાબુઓ પાસે સમય નથી…?? ઉચ્ચ અધિકારીઓની આ નઘરોળ નીતિ અને સત્તાધારી પક્ષના નેતાઓ પાછળ પૂંછડી પટપટાવવાની નીતિને કારણે વહીવટી માળખું કથળી ગયું છે.જનતાના ટેક્સના પૈસે પગાર લેતા સરકારી બાબુઓ ક્યારે ભાનમાં આવશે..??? શું જિલ્લા વિકાસ અધિકારી આ લાપરવાહ અધિકારીઓ સામે લાલ આંખ કરશે કે પછી તેમને છાવરતા રહેશે તેવા અનેક સવાલો જનતામાંથી ઉદભવી રહયા છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









