વાગરા: સાયખા નજીક સ્ટીયરિંગ પરથી કાબૂ છૂટતા જ ફોર્સ ક્રૂઝર રોડ નીચે પલટી, મોટી હોનારત ટળી..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના સારણ-સાયખા માર્ગ પર એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. GJ-16-AY-2586 નંબરની ફોર્સ ક્રુઝર કોઈક અગમ્ય કારણોસર ચાલકનો સ્ટીયરિંગ પરનો કાબૂ છૂટી જતા રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ પલટી મારી હતી. અકસ્માત થતાં જ માર્ગ પર દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ફોર્સ ક્રુઝર સારણ તરફથી સાયખા દિશામાં જઈ રહી હતી. આ દરમિયાન અચાનક વાહનનું સંતુલન બગડતા તે રોડની કિનારે ઉતરી ગઈ અને પલટી ખાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદ્દનસીબે વાહનમાં સવાર કોઈને ગંભીર ઇજા કે જાનહાનિ થઈ ન હતી. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને મદદરૂપ બન્યા હતા. થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે સારણ-સાયખા માર્ગનું તાજેતરમાં નવીનીકરણ થયા બાદ આ માર્ગ પર વાહનોની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે. નવીન રોડ બનતા અનેક વાહનચાલકો ફૂલ સ્પીડે અને બેફામ રીતે વાહનો હંકારી રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. જેના પરિણામે છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ પર નાના-મોટા અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!