નેત્રંગમાં લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ: મંગેતરને લેવા ગયેલા યુવકનું ટ્રકની અડફેટમાં કરૂણ મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં માર્ગ અકસ્માતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક ૨૪ વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગાલિબા ગામના રહેવાસી હેમલતકુમાર લલ્લુભાઈ વસાવાનું સગપણ નાંદોદના મોજી ગામની સ્નેહાબેન સાથે થયું હતું. ગત ૨૦મી જાન્યુઆરીએ બપોરે હેમલતકુમાર પોતાની મંગેતરને લેવા માટે મોટરસાયકલ લઈને સાસરે ગયા હતા. સાંજે જ્યારે તેઓ મંગેતરને સાથે લઈ પરત ફરી રહ્યા હતા, ત્યારે ગાલિબા ગામ નજીક જ કાળમુખી ટ્રકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં હેમલતકુમાર અને તેમની મંગેતર સ્નેહાબેન રોડ પર પટકાયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા હેમલતકુમારને તાત્કાલિક નેત્રંગ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હાલત વધુ લથડતા તેમને રાજપીપળા રીફર કરવામાં આવ્યા હતા. કમનસીબે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેમણે દમ તોડી દીધો હતો, જ્યારે સ્નેહાબેનને પણ ઈજાઓ પહોંચી છે. અકસ્માત સર્જીને ટ્રક ચાલક વાહન સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો.આ બનાવ અંગે મૃતકના ભાઈ પ્રેમભાઈ વસાવાએ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે. ઉલ્લેખનીય છે કે, હજુ એક દિવસ પહેલા જ ૧૯મી તારીખે ભોટનગર પાસે થયેલા અન્ય એક અકસ્માતમાં પણ એક યુવકનું મોત નીપજ્યું હતું. આમ, નેત્રંગ વિસ્તારમાં બે દિવસમાં બે જીવલેણ અકસ્માતોને કારણે બે યુવાનોના અકાળે મોત થતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, નેત્રંગ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!