ગુજરાત પોલીસ દળમાં જોડાવા આતુર યુવાનો માટે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ હવે સજ્જ બન્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ આગામી બે મહિના સુધી ચાલનારી શારીરિક કસોટી માટેની તમામ વહીવટી અને ટેકનિકલ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ ભરતી પ્રક્રિયાનું મહત્વ સમજતા વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંઘ અને એસપી અક્ષયરાજ મકવાણાએ સ્વયં પોલીસ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. તેમણે રજીસ્ટ્રેશન કાઉન્ટરથી લઈને દોડની ટ્રેક, ઊંચાઈ, વજન અને છાતીના માપન માટેની વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી ટ્રાફિક અને સુરક્ષા બાબતે જરૂરી આદેશો આપ્યા હતા.

ભરૂચના આંગણે યોજાનારા આ શક્તિ પ્રદર્શનમાં અંદાજિત 60,000 જેટલા ઉમેદવારો પોતાની શારીરિક ક્ષમતા સાબિત કરશે. દરરોજ અંદાજે 1,600 જેટલા યુવાનો કસોટીમાં ભાગ લેશે. ઉમેદવારોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા મેદાન પર ચોવીસ કલાક મેડિકલ ઓફિસર્સની ટીમ અને સુસજ્જ એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવી છે, જેથી કોઈ પણ કટોકટીના સમયે તાત્કાલિક સારવાર મળી રહે.

ભરૂચ પોલીસની સંવેદનશીલતા પણ અહીં જોવા મળી છે. દૂર-દૂરથી આવતા અને રહેવાની સગવડ ન ધરાવતા ઉમેદવારોને રાત્રિ રોકાણ માટે કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા ખાસ રહેવાની સુવિધા ઊભી કરવામાં આવી છે. સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રને સાર્થક કરતા ભરૂચ પોલીસે ઉમેદવારો માટે પારદર્શક અને સુવિધાજનક વાતાવરણ પૂરું પાડવાનો સંકલ્પ કર્યો છે. આવતીકાલ સવારના પ્રથમ કિરણ સાથે જ હજારો આશાસ્પદ યુવાનો પોતાના સપનાની ખાખી મેળવવા દોડ લગાવશે.
ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









