વાગરા મામલતદાર કચેરી ખાતે વાગરા ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટરના હસ્તે નવીન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયુ હતું.

વાગરાની મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા તેમજ વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સુશાસન દિવસ નિમિત્તે વાગરા ખાતે નિર્માણ પામેલા અદ્યતન કેફે જનસેવા કેન્દ્ર ઇ ધરા કેન્દ્ર મારી યોજના કક્ષ, મિટિંગ હોલ અને જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વાગરા મામલતદાર કચેરીએ અરજદારોના ધસારાને ધ્યાને લઈ અંદાજિત રૂપિયા ૨૦ લાખના ખર્ચે નવીન જનસેવા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ જનસેવા કેન્દ્રમાં ૭/૧૨ તથા ૮-અના ઉતારા જાતિના દાખલા રેશનકાર્ડ, આધાર કાર્ડ સહિતની વિવિધ સેવાઓ લોકોને સરળતાથી ઉપલબ્ધ થશે.નવીન નિર્માર્ણાધિન જનસેવા કેન્દ્રમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ૬૮૦ સરકારી યોજનાઓની વિગતવાર માહિતી દર્શાવતું પ્લેટફોર્મ મારી યોજના’ અમલમાં મૂકાયું છે. અરજદારના વ્યક્તિગત માપદંડો મુજબ તે કઈ- કઈ યોજનાઓનો લાભ લેવાને પાત્ર છે, તેની સચોટ માહિતી અહીંથી મળી રહેશે.સદર સુવિધા ને કારણે હવે અરજદારોને “કઈ યોજના મારા માટે છે ?” તે જાણવુ સરળ બનશે.વધુમાં,વહીવટી તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોની સુવિધા અને પર્યાવરણ જતનને ધ્યાને લઇ ને એક પ્રેરણાદાયી નવીન પહેલ કરવામાં આવી છે.

આ નાનકડા જનસેવા કેન્દ્રમાં ટેકનોલોજી લોક કલ્યાણ અને પ્રકૃતિનો સુંદર સમન્વય જોવા મળે છે. પર્યાવરણની જાળવણી માટે ૫૦૦૦ સ્ક્વેર ફૂટ જગ્યામાં ‘જનસેવા વન’ વિકસાવવામાં આવનાર છે. ખૂબ જ ટૂંકા સમયમાં અને ઓછી જગ્યામાં ગીચ જંગલ બનાવવા માટે જાણીતી મિયાવાકી જાપાનીઝ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ વનમાં હાલ ૩૨૫ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ પ્રસંગે વાગરા ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદારના હસ્તે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો.

સામાજિક ઉત્તરદાઈત્વ માટે સંસ્થાના સહકારથી કેફે જનસેવા માટે એક આધુનિક કેન્ટીનનું નિર્માણ કરવામાં આવ્યું છે. નાગરિકો જ્યારે પોતાના કામ અર્થે સરકારી કચેરીએ આવે છે, ત્યારે તેમને સુવિધાયુક્ત વાતાવરણ મળી રહે તે માટે ‘કેફે જનસેવા કાર્યરત કરવામાં આવ્યું છે. જે આધુનિક કેન્ટીન છે જ્યાં સ્વચ્છતા સાથે ગુણવત્તાયુક્ત સરકારી સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.
સૈયદ અમજદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









