વાગરા ના દહેજ સ્થિત PCPIR ઝોનમાં ગેરકાયદે માટી ખનન થતા ધરતીપુત્રોમાં આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે.આ મામલે પંથકના ખેડૂતોએ ભૂમાફિયા વિરુદ્ધ કલેક્ટરને ફરિયાદ કરી ગેરકાયદેસર માટી ખોદકામ અટકાવવા માંગ કરી હતી.ભરૂચ જિલ્લાના દહેજ PCPIR ઝોનમાં ખેતીની જમીનમાં માલિકની મંજૂરી વિના ગેરકાયદેસર માટી ખોદકામ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો પંથકના ધરતીપુત્રોએ કર્યા છે. આ મામલે સ્થાનિક ખેડૂતોમાં ઉગ્ર રોષ વ્યાપી જવા પામ્યો છે.તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભુમાફિયા સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી. ખેડૂત મગનલાલ વસાવાના જણાવ્યા અનુસાર, સર્વે નંબર ૪૬૫ ની તેમની માલિકીની ૭૩-એએ પ્રકારની ખેતીલાયક જમીનમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે ખોદકામ થઈ રહ્યું છે. દહેજ વિસ્તારમાં સક્રિય ભૂમાફિયાઓએ માલિકની પરવાનગી વિના આશરે ૧૫ થી ૨૦ ફૂટ ઊંડું ખોદકામ કરી જમીનને સંપૂર્ણપણે બિનખેતીલાયક બનાવી દીધી છે. ખેડૂતોનો આરોપ છે કે આ સમગ્ર ખોદકામ અમુક ભૂમાફિયા અને અસામાજિક તત્વોની મિલીભગતથી કરવામાં આવ્યું છે. આ ખોદકામ માટે PCPIR ઝોન કે સરકારી પટ્ટાની જમીનમાં જરૂરી કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી લેવામાં આવી નથી. આસપાસની અન્ય ઘણી જમીનોમાં પણ આ જ રીતે ગેરકાયદેસર ખોદકામ થયું હોવાના આક્ષેપો કરાયા છે.ઉક્ત ગેરકાયદેસર ખોદકામના કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત, પર્યાવરણ અને ભૂગર્ભ જળ સ્તર પર પણ ગંભીર નકારાત્મક અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક તપાસ કરવા અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે જોવું રહ્યું કે જિલ્લા વહીવટી તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે અને કેવા પગલાં ભરે છે.એતો સમય આવ્યે જ ખબર પડશે.
ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા – (દહેજ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









