જંબુસર-આમોદ વચ્ચે ઢાઢર નદી પર ૧૯.૧૯ કરોડના ખર્ચે નવો બ્રિજ આકાર લેશે.જેથી વાહનચાલકો ને આસાની રહેશે.નવા બ્રિજ માટે નાણાં સાથે મંજૂરી મળતા પંથકની જનતામાં ખુશહાલી ની લહેર પ્રસરી જવા પામી છે.ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા મહત્વના માર્ગ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઢાઢર નદી પર હાલના જૂના બ્રિજની સમાંતર એક નવો બ્રિજ બનાવવામાં આવશે.જેના માટે ૧૯.૧૯ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.નોંધપાત્ર છે કે પ્રોજેક્ટ માટેનું ટેન્ડર ઓનલાઈન પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. જે કામગીરીમાં ગતિ લાવવાનો સંકેત આપે છે. લાંબા સમયથી આ વિસ્તારના લોકો નવા બ્રિજની માંગ કરી રહ્યા હતા, કારણ કે જૂના બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે નવા બ્રિજની મંજૂરી મળતા આર્થિક અને સામાજિક ગતિવિધિઓને વેગ મળશે. વર્તમાન સ્થિતિએ ઢાઢર નદી પરનો જૂનો બ્રિજ જર્જરિત હોવાને કારણે સુરક્ષાના હેતુસર માત્ર ૨૫ ટન સુધીના વજન ધરાવતા વાહનોને જ પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી. આ મર્યાદાને કારણે ભારે માલવાહક વાહનોને લાંબો અંતર કાપવું પડે છે. હવે ૧૯.૧૯ કરોડના ખર્ચે નવો સમાંતર બ્રિજ તૈયાર થવાથી આ વજન મર્યાદાની સમસ્યાનો કાયમી ધોરણે હલ થઈ જશે. નવા બ્રિજને કારણે ભારે વાહનોની અવરજવર સરળ બનશે જેનાથી સમય અને ઈંધણની બચત થશે અને સ્થાનિક ઉદ્યોગો તેમજ વાહનચાલકોને ખૂબ મોટી રાહત મળશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી અપાવવા માટે સ્થાનિક ધારાસભ્ય ડી.કે. સ્વામી અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા કરવામાં આવેલા સઘન પ્રયાસો ફળ્યા છે.

ડિજિટલ યુગ ન્યૂઝ આમોદ,
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









