અંકલેશ્વર ના એરપોર્ટ ખાતે ઈન્ડિયન એર ફોર્સના “સારંગ” અને “આકાશગંગા” ટીમો દ્વારા યોજાયેલા દિલધડક એરશો માં જવાનો થકી રજૂ કરાયેલ કરતબોથી હજારો નાગરિકો મંત્રમુગ્ધ થયા હતા.ભરૂચ-અંકલેશ્વર શહેર ખાતે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સારંગ હેલિકોપ્ટર ટીમ અને આકાશગંગા પેરાજમ્પિંગ ટીમે દિલધડક હવાઈ કરતબો રજૂ કર્યા હતા. BDMA, BCC અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના સૂચિત એરપોર્ટ ખાતે આયોજિત પ્રેરણાદાયક એર શો અને પેરાશૂટ જમ્પિંગ શો ભરૂચના નાગરિકો માટે યાદગાર બની રહ્યો હતો.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સારંગ ટીમે સંપૂર્ણ સ્વદેશી ભારતીય બનાવટના ચાર અદ્યતન ALH Dhruv હેલિકોપ્ટરો સાથે અત્યંત જોખમી પરંતુ અદ્દભૂત સંતુલનયુક્ત હવાઈ કલાબાજી રજૂ કરી હતી. જેમાં ‘ક્રોસ ઓવર બ્રેક’, ‘ડાઈમંડ ફોર્મેશન’, સેલ્યુટ ફોર્મેશન, ‘લોટસ ફોર્મેશન’, હાર્ટ ફોર્મેશન જેવા અદભૂત પ્રદર્શનો પ્રસ્તુત કરતાં હાજર જનમેડનીએ તાળીઓના ગડગડાટ અને વંદે માતરમના નાદ સાથે સારંગ ટીમનો ઉત્સાહ વધાર્યો હતો.આકાશમાં ૬ પેરાશૂટ ગ્લાઈડરો એકસાથે દેખાતા જ લોકોમાં રોમાંચ છવાઈ ગયો હતો. ૮ હજાર ફૂટની ઊંચાઈ પરથી ઉતરેલા પેરામોટર જમ્પર્સે ફ્રી–ફોલ, સ્પાયરલ ડાઈવ, ફ્લેગ ડિસ્પ્લે જેવી તકનીકો રજૂ કરી ભારતીય તિરંગા સાથે લૅન્ડિંગ કરતા સમગ્ર વાતાવરણ તાળીઓથી ગુંજી ઉઠ્યું હતું. એર શો જોવા માટે હજારોની સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. ભરૂચ શહેરની અનેક શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો સાથે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. દેશના રક્ષણક્ષેત્રમાં કામ કરતી વાયુસેનાની શક્તિ, શિસ્ત અને તકનીકી ક્ષમતાઓ જોઈ વિદ્યાર્થીઓ દંગ રહી ગયા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત એર ફોર્સના કમાન્ડરે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સંદેશો આપતા કહ્યું કે, “ભારતીય વાયુસેના યુવાનો માટે અનંત તકોનું દ્વાર છે. સમર્પણ, શિસ્ત અને સંકલ્પ હોય તો દરેક યુવાન આ વાદળી આકાશને પોતાની કારકિર્દીની નવી ઊંચાઈ બનાવી શકે છે.” તેમણે વિદ્યાર્થીઓને NCC, SSB, AFCAT સાથે દેશની સેવા કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર સેફ્ટી વિભાગે સંકલિત કામગીરી નિભાવી હતી. જેમાં ટ્રાફિક મેનેજમેન્ટ, સુરક્ષા વ્યવસ્થા, કેમ્પ કંટ્રોલ રૂમ, એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફ જેવી તમામ વ્યવસ્થાઓ તકેદારીપૂર્વક સુનિશ્ચિત કરવામાં આવી હતી.ઉક્ત એરશો નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં દેશપ્રેમ, શૌર્ય, રાષ્ટ્રરક્ષા પ્રત્યેની સમજ અને કારકિર્દીના અવસરો વિશે જાગૃતિ ફેલાવવાનો હતો.
સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









