ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ના સંયુક્ત ઉપક્રમે સાયકલોથોન યોજવામાં આવી હતી.ખેલરત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિની ત્રી -દિવસીય “હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન”ની થીમ સાથે યોજાયેલા રમતોત્સવના અંતિમ દિવસે ભરૂચ ખાતે સન્ડે ઓન સાઈકલ કાર્યક્રમ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા,જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશેની વિશેષ ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતેથી સાઈકલ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

સાઈકલ રેલીમાં ‘હમ ફિટ તો ઈન્ડિયા ફિટ’, ‘ફિટનેસ કા ડૉઝ, આધા ઘંટા રોઝ’ સહિતના બેનર્સના માધ્યમથી શારીરિક તંદુરસ્તી નો સંદેશો આપવામાં આવ્યો હતો. ‘ફિટ ઈન્ડિયા’ અભિયાનને વેગવંતુ બનાવવા ઉપસ્થિત સર્વે નાગરિકો અને વિદ્યાર્થીઓ એ રોજ એક કલાક મેદાનમાં પસાર કરી શારીરિક તંદુરસ્તી કેળવવાના શપથ લીધાં હતાં.સાયકલોથોન કલેક્ટર કચેરીથી શક્તિનાથ સર્કલ થઈ પાંચબત્તી સર્કલ થી શાલીમાર હોટલ,સ્ટેશન સર્કલ થી પરત શાલીમાર હોટલ થઇ સિવિલ હોસ્પિટલ રોડ થી ફરી કલેક્ટર કચેરી સુધી સાયકલ રેલી યોજાઈ હતી. તમામ મહાનુભાવોએ રેલીમાં સાઈકલ ચલાવી ‘ફિટ ઈન્ડિયા’નો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા સમહર્તા એ જણાવ્યું હતું કે, મેજર ધ્યાનચંદજી ની જન્મજયંતિ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવાઈ રહી છે, ત્યારે નગરજનોએ પણ સ્પોર્ટ્સનું મહત્વ સમજીને પોતાના જીવનમાં અપનાવવું જોઈએ,સ્પોર્ટ્સ થકી સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, જેથી નિયમિત સાયકલિંગ પણ કરવું જોઈએ,સાયકલ રેલીમાં સહભાગી થનાર સૌને કલેકટરે અભિનંદન પાઠવ્યા હતા.સાયકલ રેલીમાં જિલ્લા આગેવાન પ્રકાશ મોદી, મામલતદાર માધવી મિસ્ત્રી, પદાધિકારીઓ, રમતવીરો સહિત અધિકારીઓ,પોલીસ કર્મીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









